- ટીવી ઇન્ડસ્ટ્રીથી વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા
- CID માં ઇન્સપેટર ‘ફ્રેડરિક‘નો રોલ નિભાવનાર એક્ટરનું નિધન
- દિનેશ ફડનીસે 57 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું
- દિનેશ ફડનીસ ને બે દિવસ પહેલા આવ્યો હતો એટેક
જાણીતા ટીવી કલાકાર અને CID ટીવી શોમાં ઇન્સપેટર’ફ્રેડરિક’નો રોલ નિભાવનાર એક્ટર દિનેશ ફડનીસનું નિધન થઈ ગયું છે. મળતી માહિતી અનુસાર ગઈકાલે રાત્રે લગભગ 12 વાગ્યે અભિનેતાએ અંતિમ શ્વાસ લીધા હતા. દિનેશ ફડનીસના નિધનના સમાચારની પુષ્ટિ તેમના કો-સ્ટાર અને મિત્ર દયાનંદ શેટ્ટીએ કરી છે.
હાલમાં જ દિનેશના હોસ્પિટલમાં હોવાના સમાચાર સામે આવ્યા હતા. અભિનેતા ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યો હતો અને ગઈકાલે રાત્રે તેણે 57 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. છેલ્લા ઘણા દિવસોથી એમની તબિયત ખરાબ ચાલી રહી હતી અને એ કારણે તેમને મુંબઈની તુંગા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અભિનેતાની ખરાબ તબિયતના સમાચાર હેડલાઇન્સમાં હતા. દિનેશની હાલત નાજુક હતી અને તેઓ હોસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર હતા. જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહેલા દિનેશ ફડનીસનું ગઈકાલે રાત્રે 12 વાગ્યાની આસપાસ મોત થયું હતું. અભિનેતાના નિધન બાદ ઇન્ડસ્ટ્રીમાં શોકનું વાતાવરણ છે અને અભિનેતાના અચાનક દુનિયામાંથી વિદાય થવાથી ચાહકો અને સાથી કલાકારો ખૂબ જ દુઃખી છે.