દેશનો વધુ એક દુશ્મનનું પાકિસ્તાનમાં માર્યો ગયો હોવાનું સામે આવ્યું છે. લશ્કર-એ-તૈયબાના મુખ્ય આતંકવાદી અદનાન અહેમદ ઉર્ફે હંજલા અદનાનની કરાચીમાં અજાણ્યા હુમલાખોરોએ હત્યા કરી દીધી છે. નોંધનિય છે કે, હંજલા 2016માં પમ્પોરમાં CRPFના કાફલા પર હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. આ હુમલામાં 8 જવાનો શહીદ થયા હતા, જ્યારે 22 જવાનો ઘાયલ થયા હતા. આ સાથે હંજલાએ વર્ષ 2015માં જમ્મુના ઉધમપુરમાં BSFના કાફલા પર હુમલાનું આયોજન કર્યું હતું. આ હુમલામાં BSFના 2 જવાન શહીદ થયા હતા જ્યારે 13 BSF જવાનો ઘાયલ થયા હતા. આ હુમલાની તપાસ NIA દ્વારા કરવામાં આવી હતી અને 6 ઓગસ્ટ 2015ના રોજ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ બંને હુમલામાં હંજાલા પાકિસ્તાનમાં બેસીને આતંકીઓને સૂચના આપી રહ્યો હતો.
જમ્મુ-કાશ્મીરના શ્રીનગર અને પુલવામા વિસ્તારમાં થયેલા આત્મઘાતી હુમલામાં હંજલાએ મોટી ભૂમિકા ભજવી હતી. નવા ભરતી થયેલા આતંકવાદીઓને ખાસ કરીને એવા આતંકવાદીઓને ગેરમાર્ગે દોરવા માટે હંજલાને POKના લશ્કર કેમ્પમાં મોકલવામાં આવ્યો હતો. જેઓ ભારતમાં ઘૂસણખોરી કરીને આતંકવાદી હુમલાઓ કરવાના હતા. અદનાનને લશ્કર કોમ્યુનિકેશન એક્સપર્ટ પણ કહેવામાં આવતો હતો.
હંજલાના મોતને લશ્કર ચીફ હાફીઝ સઈદ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. અદનાન અહેમદ લશ્કર ચીફ હાફિઝની ખૂબ નજીક હતો. 2-3 ડિસેમ્બરની રાત્રે અજાણ્યા હુમલાખોરોએ 4 ગોળીઓ ચલાવીને હત્યાકાંડને અંજામ આપ્યો હતો. કડક સુરક્ષા વચ્ચે પણ અદનાનની હત્યા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર અદનાન અહેમદને તેના સેફ હાઉસની બહાર ગોળી મારી દેવામાં આવી હતી. ગોળી માર્યા બાદ તેને પાકિસ્તાની સેના દ્વારા ગુપ્ત રીતે કરાચીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 5 ડિસેમ્બરે તેમનું અવસાન થયું. હાફિઝ માટે આ એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. હંજલાએ તાજેતરમાં તેનું ઓપરેશન બેઝ રાવલપિંડીથી કરાચી શિફ્ટ કર્યું હતું.
આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાનમાં આ રીતે આતંકીઓને નિશાન બનાવવામાં આવ્યા હોય. આ પહેલા મુફ્તી કૈસર ફારૂક, ખાલિસ્તાની આતંકવાદી પરમજીત સિંહ પંજવાડ, એજાઝ અહમદ અહંગર, બશીર અહમદ પીર જેવા ઘણા આતંકવાદીઓ પણ અજાણ્યા હુમલાખોરો દ્વારા માર્યા ગયા હતા. એટલું જ નહીં તાજેતરમાં મોસ્ટ વોન્ટેડ આતંકી શાહિદ લતીફની હત્યા કરવામાં આવી હતી. લતીફની સિયાલકોટમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. લતીફ 2016માં પઠાણ કોટ એરફોર્સ સ્ટેશન પર હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. સ્ટેશન પર હુમલો કરનારા ચાર આતંકીઓને તે પાકિસ્તાન તરફથી સૂચના આપી રહ્યો હતો.