છેલ્લા ઘણા સમયથી GST વિભાગ દ્વારા રાજ્યભરમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે આજે ફરી જીએસટી વિભાગ દ્વારા ગુજરાતભરના રેસ્ટોરન્ટોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. રાજ્યભરમાં જીએસટી વિભાગ દ્વારા અનેક રેસ્ટોરન્ટમાં મોટા પાયે દરોડા પાડવામાં આવી રહ્યા છે. રાજ્યમાં કર ચોરી અટકાવવા જીએસટી એક્શનમાં આવી કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે. અનેક સ્થળોએ દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ અમદાવાદ,વડોદરા,સુરત,રાજકોટમાં રેસ્ટોરન્ટ પર GST વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. 100થી વધુ રેસ્ટોરન્ટ પર GST વિભાગના દરોડા પાડવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. છેલ્લા બે દિવસથી ચાલી રહેલી તપાસમાં કરોડોની કરચોરી પકડી હોવાની ચર્ચા પણ થઈ રહી છે.
રાજકોટની 11 હોટલમાં GST ચોરી પકડાઈ હતી. 2 હોટલનું 20 લાખથી વધુ ટર્નઓવર હોવા છતા રજિસ્ટ્રેશન ન કરાવાયું હોવાનું સામે આવ્યું છે. જેના પગલે હોટલ સંચાલકોને નોટિસ ફટકારી વેરો ભરવા આદેશ કરવામાં આવ્યો છે. કાલાવડ રોડ, જામનગર રોડ, કુવાડવા, ધર્મેન્દ્ર રોડ પરની હોટલોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ઘણી જગ્યાએ જીએસટી ચોરી પડકાઈ હતી. ડ્રાયફ્રૂટના વેપારીઓ બાદ હવે રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. શહેરની 15 હોટલ અને રેસ્ટોરન્ટમાં કરચોરી અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. સરગમ, મટુકી, ફ્લેવર્સ સહિત 15 હોટલમાં બે દિવસથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું. જેના પગલે વેરો ભરવામાં ગોટાળા કરનારા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે.
તો બીજી તરફ સુરતની 20 જેટલી રેસ્ટોરન્ટમાં GST વિભાગની તપાસ કરવામાં આવી હતી. દિવાળીમાં રેસ્ટોરન્ટ માલિકોએ મોટા પાયે GST ચોરી કર્યાની શંકા હતી. રોકડ વ્યવહાર કરી GST ચોરી કર્યાની આશંકાએ તપાસ હાથ ધરવામાં આવી હતી. ઓનલાઈન ફૂડ ડિલિવરીના કિસ્સાઓમાં પણ GST ચોરીની આશંકા થતા મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી હતી.