અમદાવાદના ચાંદખેડામાં 15 દિવસથી ગુમ થયેલા યુવકને લઈ મોટો ખુલાસો સામે આવ્યો છે. યુવકની તેના મિત્રએ જ હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. મિત્રએ જ નર્મદા કેનાલમાં ધક્કો મારીને હત્યા કરી દીધી હતી. હત્યાનો ભેદ ઉકેલાતા જ પોલીસે આરોપી મિત્રની ધરપકડ કરી લીધી છે અને તપાસ શરુ કરી છે.
ચાંદખેડા માં 3 બહેનોના એકનાએક ભાઈની હત્યાએ સનસનાટી મચાવી છે. મિત્ર બનીને એક યુવકે હત્યા કરી દીધી હતી. ઘટના એવી છે કે 28 નવેમ્બરની સાંજે દશરથ સોલંકી ઘરેથી નીકળ્યો હતો. પરંતુ તે ઘરે પરત નહિ ફરતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી. પોલીસ સ્ટેશનમાં પણ ગુમ થવાની નોંધ કરવામાં આવી હતી.
ગુમ થનાર યુવક દશરથ સોલંકીને છેલ્લે કેવલ પટણી સાથે તેની રિક્ષામાં જોવા મળ્યો હતો. જેથી પરિવારે કેવલની પૂછપરછ કરતા તેને ચાંદખેડા ચાર રસ્તા સુધી મૂકીને ગયો હોવાનું રટણ શરૂ કર્યું. પરંતુ પોલીસ આરોપી કેવલની કડક પૂછપરછ થતા દશરથ સોલંકીના ગુમ થવાનો ભેદ ઉકેલાયો.
દશરથ સોલંકીનો મૃતદેહ નહિ મળી આવતા પરિવારમાં આક્રંદ છે. બહેનો પોતાના લાડકવાયા ભાઈને શોધી લાવવાની આજીજી કરે છે. જ્યારે વિધવા માતા પોતાના ઘડપણના સહારાનું મોઢું જોવા માટે તરસી રહી છે. એકના એક દીકરાને ગુમાવવાનો આઘાત અને પીડાનો આક્રોશ પરિવારની આંખો માં છલકાઈ રહ્યો છે..
પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી કેવલ પટણી છે. જેને પોતાના મિત્ર દશરથ સોલંકીની હત્યા કરી દીધી. કેવલ અને દશરથ બન્ને પાડોશીઓ છે અને બંન્ને મિત્રો હતા. થોડા સમય પહેલા દશરથના સમાજના બાબુભાઇ સાથે કેવલ અને તેના ભાઈ સચિનનો ઝઘડો થયો હતો. આ અંગેની પોલીસમાં ફરિયાદ થતા તેના ભાઈને સચિનની ધરપકડ કરવામાં આવી હતી. બંન્ને ભાઈઓના ઝઘડાના સ્વભાવના કારણે દશરથે મિત્રતા તોડી નાખી હતી.
કેવલે આ ઝઘડાની અદાવત રાખીને દશરથ સોલંકી સાથે ફરી મિત્રતા કરી હતી. અને દશરથને મિત્ર પર વિશ્વાસ આવી જતા તેને રીક્ષા માં બેસાડીને નર્મદા કેનાલ ફરવાના બહાને લઈ ગયો હતો. બન્ને કેનાલની પાળી પર બેઠા હતા ત્યારે કેવલએ કેનાલમાં દશરથને ધક્કો મારીને ફેંકી દીધી હતો અને રીક્ષા લઈને ઘરે પરત આવી ગયો હતો. ઘટનાના 15 દિવસ બાદ પણ દશરથનો મૃતદેહ નથી મળ્યો પરંતુ તેની હત્યા કરનાર મિત્રની પોલીસે ધરપકડ કરી છે.
સામાન્ય ઝઘડાની અદાવત માં બે મિત્રો દુશ્મન બન્યા, પરંતુ એક મિત્રએ ફરી મિત્રતા કરીને દોસ્તને મોતની સજા આપી. ચાંદખેડામાં મિત્રો વચ્ચેના ઝઘડાથી 3 બહેનોએ પોતાનો ભાઈ ગુમાવ્યો તો માતા એ ઘડપણનો સહારો ખોઈ દીધો. હાલમાં ચાંદખેડા પોલીસે આરોપીની ધરપકડ કરીને હત્યા પાછળ અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરી.