આ વર્ષે પણ નાતાલ અને નવા વર્ષની ઉજવણીને લઈને પ્રવાસીઓમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. આ વખતે અમદાવાદથી જોવાલાયક સ્થળોને જોડતી ડાયરેક્ટ ફ્લાઇટ પણ શરૂ થઈ છે, જે વધારે અનુકૂળ હોવાથી પ્રવાસીઓનો ઉત્સાહ બમણો થયો છે. પ્રવાસીઓનો ઉમંગ અને ધસારો જોતાં ફ્લાઇટ અને ફેવરિટ ડેસ્ટિનેશનની હોટલોનાં બુકિંગ હાઉસફુલ થઈ ગયાં છે. ત્યારે હવે તમારે પણ ફરવા જવાનું હોય તો ફ્લાઇટ અને હોટલોનાં બુકિંગ કરાવી લેજો, નહીંતર જો મોડા પડશો તો મોંઘું પડશે.
સામાન્ય રીતે નવા વર્ષની ઉજવણી માટે લોકો સુંદર બીચની પસંદગી કરતા હોય છે. તો કેટલાક લોકો આ માટે હિલ સ્ટેશન અને બરફની વચ્ચે પણ મજા માણવા પહોંચી જતા હોય છે. તો વળી કેટલાક ઠંડા પવનો સાથે ડેઝર્ટ સફારીની મજાની સાથે જ નવા વર્ષને વધાવે છે. આમ, પહાડ, દરિયો અને રણ એમ ત્રણેય જગ્યાએ જવા માટે અમદાવાદથી ડાયરેક્ટ ફ્લાઇટ મળતી હોવાથી પ્રવાસીઓ પોતાના ફેવરિટ ડેસ્ટિનેશન પર નવા વર્ષને વધાવવા માટે આતુર જોવા મળી રહ્યા છે.
નાતાલની રજાઓમાં અને નવા વર્ષની ઉજવણી માટે સામાન્ય રીતે લોકો દરિયાકિનારે જવાનું વધુ પસંદ કરે છે. એવામાં પ્રવાસીઓ માટે ક્રિસમસ પાર્ટી કરવાનું હોટ ફેવરિટ ડેસ્ટિનેશ એટલે ‘ગોવા’. ગોવાના બીચ અને ત્યાંની સંસ્કૃતિ ફક્ત ભારતીય જ નહીં, પરંતુ વિદેશીઓ માટે પણ આકર્ષણ જમાવે છે. ક્રિસમસની ઉજવણી કરવા માટે વિદેશીઓ પણ ગોવા પહોચે છે, ત્યારે અમદાવાદીઓ માટે અમદાવાદથી ગોવાની સીધી ફ્લાઇટ છે. જો અત્યારે જ ફ્લાઇટની ટિકિટ બુક કરવામાં આવે તો અમદાવાદથી ગોવા જવા માટે ચારથી પાચ હજાર રૂપિયાનો ખર્ચ થશે, પરંતુ જો મોડા પડ્યા તો આજ ટિકિટનો ભાવ બમણો થઈ શકે છે.
આ ઉપરાંત દરિયાકિનારાનાં સ્થળોમાં અમદાવાદથી દીવ અને પોર્ટ બ્લેરના ટાપુઓની પણ સીધી ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. એને કારણે આ વર્ષે પ્રવાસીઓ આ બંને સ્થળની પણ પસંદગી કરશે. હાલના સંજોગો અનુસાર અમદાવાદથી ગોવા જવાની ફ્લાઇટના ભાડા કરતાં અમદાવાદથી દીવની ફ્લાઇટનું ભાડું ખૂબ વધારે છે. ગુજરાતીઓ માટે દીવ ક્રિસમસ પાર્ટી માટે સૌથી વધુ પસંદ કરાતું સ્થળ છે. જ્યારે અમદાવાદથી દીવ જવા માટે સીધી ફ્લાઇટનું ભાડું હાલમાં 11,000થી 12000 રૂપિયા છે. આ ઉપરાંત પોર્ટ બ્લેરના ટાપુ સુધી પહોંચવા માટે પહેલા અમદાવાદથી ચેન્નઈ અને ચેન્નઈથી પોર્ટ બ્લેર સુધી જવું પડતું હતું, જેમાં સમય અને રૂપિયાનો વધુ ખર્ચ થતો હતો, જે હવે ઘટી જશે, કારણ કે અમદાવાદથી પોર્ટ બ્લેરના ટાપુઓ સુધી સીધી ફ્લાઇટ શરૂ થઇ ચૂકી છે. એમાં અમદાવાદથી પોર્ટ બ્લેર સુધી જવાનો ખર્ચ 13000થી 15,000 રૂપિયા થશે. લગ્નગાળાની સીઝન બાદ હનિમૂન કપલ પણ આંદામાન-નિકોબાર ફરવા જવાનું વધુ પસંદ કરતા હોવાને કારણે અને ક્રિસમસના તહેવારને લઈને અમદાવાદથી પોર્ટ બ્લેર જતી ફ્લાઇટમાં મોટા ભાગની સીટ અત્યારથી જ બુક થયેલી છે.