અમદાવાદમાં વાતાવરણમાં ઉપરના લેવલમાં સક્રિય હાઇપ્રેશરની અસર ઘટતાં શહેરમાં ઠંડા પવનો શરૂ થયાં છે. જેને કારણે એક જ દિવસમાં અમદાવાદમાં ઠંડીનો પારો 5.7 ડિગ્રી ગગડતા સિઝનનું સૌથી નીચું 13.3 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે અમદાવાદમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. આગામી અઠવાડિયા સુધી અમદાવાદમાં ઠંડીનો પારો 13થી 14 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઠંડો પવન ફૂંકાવાનો શરૂ થતા પારો ગગડ્યો. 24 કલાકમાં પારો 5.7 ડિગ્રી ગગડ્યો અઠવાડિયું 13થી 14 ડિગ્રી ઠંડી રહેશે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઈક્લોનિક સરક્યુલેશનની સાથે વાતાવરણમાં ઉપરના લેવલમાં હાઇપ્રેશર સક્રિય હતું, જેની અસરોથી ગત અઠવાડિયા દરમિયાન પવનની દિશા બદલાઇને ઉત્તર-પૂર્વથી પૂર્વની થતાં અમદાવાદના મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ક્રમશ વધારો થયો હતો. તેમજ લઘુતમ તાપમાન ક્રમશ સામાન્ય કરતાં 3થી 6 ડિગ્રી વધી જતાં ભરશિયાળે લોકોઅે ગરમીનો અનુભવ કર્યો હતો. પરંતુ, રવિવારથી હાઇપ્રેશરની સિસ્ટમ વિખરાઇ જતાં ફરી રાજ્યમાં ઉત્તર-પૂર્વના ઠંડા પવનો શરૂ થયાં છે
24 કલાકમાં શહેરમાં ઠંડીનો પારો 5.7 ડિગ્રી ગગડીને 13.3 ડિગ્રીઅે પહોંચ્યો છે, જે આ સિઝનમાં અમદાવાદનું સૌથી નીચું લઘુતમ તાપમાન છે. આ પહેલાં 14 ડિસેમ્બરના રોજ શહેરમાં 15.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. અઠવાડિયા દરમિયાન અમદાવાદમાં ઠંડીનો પારો 13થી 15 ડિગ્રી વચ્ચે તેમજ મહત્તમ તાપમાન 28થી 31 ડિગ્રી વચ્ચે રહેશે. બે દિવસ વાદળિયું વાતાવરણ રહેવાની શક્યતા હોવાથી ઠંડીનો ચમકારો યથાવત રહેશે.