ભારતના મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાઈમના મોતની ખબર ખોટી હતી અને તે જાણીજોઈને ફેલાવાઈ હતી તેવો ખુલાસો થતાં હડકંપ મચ્યો છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓના સૂત્રોએ એવું જણાવ્યું કે દુનિયાની નજરમા દાઉદ મરેલો ગણાય એટલે પાક.ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ દાઉદના મોતની ખબર જાણીજોઈને ફેલાવી હતી. ખોટી ખબર ફેલાવવાનો હેતુ દાઉદની સુરક્ષા કરવાનો હતો.
દાઉદ મામલે પાકિસ્તાનની સ્થિતિ સ્પસ્ટ છે. પાકિસ્તાન જીવે ત્યાં સુધી દાઉદને છુપાવી રાખવા માગે છે અને તેની કોઈ પણ સાચી માહિતી જાહેર કરતું નથી હા જરુર પડે તો મોતની ખોટી ખબર જાહેર કરતાં પણ અચકાતું નથી અને ફરી એક વાર પાકિસ્તાને આવું જ કર્યું છે.
ભારતના મોસ્ટ વોન્ટેડ અને 1993ના મુંબઈ બોંબ બ્લાસ્ટના આરોપી દાઉદ ઈબ્રાઈમના મોતની ખબર સોશિયલ મીડિયામાં છવાઈ છે. દાવો હતો કે દાઉદને કોઈએ ઝેર આપીને મારી નાખ્યો છે જોકે આ અફવા નીકળી હતી. ફેક ન્યૂઝના બીજા દિવસે ભારતમાં રહેતા તેના બે ભાણીયાએ દાઉદના હોસ્પિટલમાં રહેવાનું કારણ આપ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દાઉદના બે ભાણિયા અલીશાહ પારકર અને સાજિદ વાગલેએ એવું કહ્યું કે દાઉદ આજકાલ બીમાર છે. હાઇપર ટેન્શન, બ્લડ પ્રેશર અને કિડનીની સમસ્યાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
દાઉદ બીમારીઓને કારણે કરાંચીની હોસ્પિટલમાં દાખલ છે તે વાત સાચી નીકળી છે પરંતુ તેના મોતની ખબર ખોટી છે. હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. દાઉદને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદથી જ તેની સુરક્ષા પહેલાની સરખામણીમાં કડક કરી દેવામાં આવી છે. તે જ્યાં હાજર છે તે હોસ્પિટલના ફ્લોર પર તેના નજીકના સંબંધીઓ અને ડોકટરો સિવાય કોઈને પણ મંજૂરી નથી. જે રીતે અજ્ઞાત લોકો હવે એક પછી એક પાકિસ્તાનમાં આતંકીઓને નિશાન બનાવી રહ્યા છે, તે બાદ પાકિસ્તાની એજન્સીઓએ દાઉદનું સુરક્ષા વર્તુળ કડક કરી દીધું છે.