પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ચોંકાવનારો દાવો કર્યો કે વિપક્ષના હજું ત્રણથી ચાર ધારાસભ્ય તૂટી શકે છે અને કોંગ્રેસે હવે જાગૃત થવાની જરુર છે.
કિરીટ પટેલે કહ્યું કે ધારાસભ્યો તૂટી રહ્યા છે અને તેથી પક્ષના આગેવાનોનો સંપર્ક કરી ધારાસભ્યોની બેઠક બોલાવવા અંગે કહ્યું પણ કોંગ્રેસ સિરીયસ નથી. ધારાસભ્ય જાય તેમાં પક્ષ ગંભીર નથી જ્યારે આની જગ્યાએ ભાજપ હોત તો સંગઠનની બેઠક બોલાવી સમસ્યાનો હલ લાવી હોત તેમ તેમણે કહ્યું હતું. પોતાના ભવિષ્યના સ્ટેન્ડ અંગે તેમણે કહ્યું કે ભવિષ્યમાં શું થશે તે હાલ હું કહી શકું તેમ નથી. તેમણે એમ પણ કહ્યું કે ધારાસભ્યના રાજીનામા ચિંતાનો વિષય છે અને હવે કોંગ્રેસને જાગૃત થવાની જરૂર છે. તેમણે દાવો કર્યો કે જે ચૂંટાયા એ પોતાની પ્રતિભા, પ્રભાવથી ચૂંટાયા છે કારણ કે કોંગ્રેસના લોકો જ હરાવવા ફરતા હોય છે. કિરીટ પટેલ બળવાના મૂડમાં જોવા મળી રહ્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે પક્ષે આ બાબતે જાગૃત થવા ની જરૂર છે. હવે જે 16 ધારાસભ્યો બચ્યા છે તેમને બોલાવી મિટિંગ કરવાની જરૂર છે અને જે એમની નારાજગી હોય તે દૂર કરવાની જરૂર છે નહિ તો ભવિષ્યમાં મોટું નુકશાન થાય તેમ છે તેમ તેમણે કહ્યું હતું.