વેરાવળ વનવિભાગ દ્વારા ચંદનચોરીના લાકડા સાથે એક ઈસમને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે પ્રાથમિક પૂછપરછમાં આ યુવકે ચંદનના લાકડાનું કટીંગ તાલાલા તાલુકાના ગુંદરણ ગામે કરેલ હોવાની કબુલાત આપી છે તો વધુ તપાસમાં વેરાવળ તાલુકાના આજોઠા ગામે 43 જેટલા સાગના વૃક્ષોનું કટીંગ કર્યાની પણ કબૂલત આપતા વન વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે વેરાવળ રેન્જ ફોરેસ્ટર કે.ડી. પંપાણીયા એ માહિતી આપતા જણાવ્યું હતું કે વેરાવળ ના લાટી ગામ નજીક રેવન્યુ વિસ્તાર માંથી સુત્રાપાડા રેન્જ ફોરેસ્ટર સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ દરમિયાન મેઘપુર ગામના કમલેશ માલા વાજા નામના એક ઇસમને ગેરકાયદે લાકડા કટીંગ કરતા ઝડપી લીધો હતો, જેની પૂછપરછ કરતાં આ ઈસમ દ્વારા ચંદનના લાકડાનું પણ ગેરકાયદેસર કટીંગ કરેલ હોય અને આ ચંદનના લાકડાનો જથ્થો પોતાના ઘરે છુપાવીને રાખ્યો હોવાનું માલુમ પડતા વન વિભાગની ટીમ દ્વારા ઈસમને સાથે રાખી મેઘપુર ગામે તેના ઘરની જડતી લેતા તેના ઘરેથી 36 કિલો જેટલો ચંદનના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો.
આર. એફ. ઓ પંપાણીયા એ વધુ માં જણાવ્યું હતું કે, ઝડપાયેલ ઈસમ વૃક્ષ કટીંગ ની મજૂરી કરતો હોય જેથી વન વિભાગ દ્વારા આગવી ઢબે પૂછપરછ હાથ ધરતા પોતે આ ચંદનનું લાકડું તાલાળા તાલુકાના ગુંદરણ ગામેથી એક માલિકીની વાડીમાંથી કટીંગ કર્યાનું જણાવ્યું હતું.આ ઉપરાંત વેરાવળના આજોઠા ગામે પણ એક ખાનગી માલિકીની વાડીમાં 43 જેટલા સાગના લાકડાનું પણ ગેરકાયદે કટીંગ કર્યા ની કબુલાત આપતા વન વિભાગ દ્વારા આજોઠા ગામે તપાસ હાથ ધરવામાં આવી હતી. આજોઠા ગામના ઉકાભાઇ સોલંકી ની માલિકીની વાડીમાં 43 જેટલા સાગના વૃક્ષના લાકડા કટીંગ કરેલા મળી આવ્યા હતા.વન વિભાગ દ્વારા વાડી માલિક વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જ્યારે ચંદનના લાકડાની ચોરી અંગે આ ગુનો તાલાળાના ગુંદરણ ગામે બનેલ હોય જે અંગે તાલાળા વનવિભાગને આરોપી નો કબજો સોંપવામાં આવશે. વધુ તપાસ તાલાળા વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવનાર છે.