રાજ્યભરમાંડુપ્લીકેટ ચિજવસ્તુઓ પકડાવાની જાણે મોસમ ખીલી હોય તેમ જોવા મળી રહ્યું છે. અમરેલી જિલ્લામાં મોડી રાતે લીલીયાના પીપળવા ગામ નજીક ઘીની મોટી ફેક્ટરી ધમધમી ઝડપાઈ હતી. જે ઘી નકલી હોવાની શંકા જોવા મળી રહી છે. લીલીયા PSI સિદ્ધરાજ સિંહ ગોહિલને બાતમી મળતા પોલીસની ટીમે દરોડા પાડ્યા હતા. પીપળવા પાણીના પ્લાન્ટની આડમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
સમગ્ર ઘટનાને લઈ અમરેલી ડીવીઝન ડી.વાય.એસ.પી.જગદીશ સિંહ ભંડારી પણ દોડી આવ્યા હતા. મધ રાતે ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ પહોંચી ઘીના સેમ્પલ લીધા હતા. ઘીના નાના મોટા અલગ અલગ પેકિંગ પેક કરવામાં આવ્યા છે. પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે આ ઘી નકલી હોવાની શંકા છે. ઘી બનાવવા માટે કેટલાક લોકો પણ કામ કરતા હતા અને પેકિંગ કરી અલગ અલગ વિસ્તારમાં સપ્લાય કરવામાં આવતું હતું. ઉપરાંત ઘી ના પેકેટમાં રાજુલા શહેરનું સરનામું નીચે લગાવવામાં આવ્યું છે, જેના કારણે આ ઘીનું કનેક્શન રાજુલા પંથક સુધી જોડાયેલ હોવાની પોલીસને આશંકા જોવા મળી રહી છે. મોટી માત્રામા ઘી હોવાને કારણે મોડી રાત સુધી ગણતરી સહિતની પોલીસની કામગીરી ચાલતી હતી. લીલીયા પોલીસ સ્ટેશનમાં આજે સમગ્ર મામલે ગુનો નોંધાશે.
સમગ્ર શંકાસ્પદ ઘી નેટવર્ક પાછળ મુખ્ય સૂત્રધાર ભેજાબાજ હોવાની શક્યતા જોવા મળી રહી છે. રાજયભરના મહાનગરોમાં ઘી સપ્લાય થતું હોવાની પોલીસને આશંકા છે. આ ઘીની કેટલા સમયથી અહીં ફેક્ટરી ધમધમી રહી હતી અને અન્ય ક્યાં ક્યાં વિસ્તારમાં સપ્લાય કરવામાં આવતું હતું તેને પોલીસ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.