અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ શ્રીરામ જન્મભૂમિ મંદિર ખાતે ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે ભગવાન રામના મંદિર પર લગાવવામાં આવનારા મુખ્ય ધ્વજ સ્તંભની સાથે મંદિરના દરવાજાના મિજાગરા, નકૂચા વગેરેનું નિર્માણ હાલમાં અમદાવાદના ગોતા વિસ્તારમાં ચાલી રહ્યું છે. મંદિરનો મુખ્ય ધ્વજ સ્તંભ 35 ફૂટ ઊંચો અને 7500 કિલો બ્રાસનો છે. જ્યારે અન્ય 6 નાના સ્તંભ 12 ફૂટ ઊંચા છે. તેની સાથે જ દરવાજાના 42 મિજાગરા, તાળાં અને 42 ઝૂમરના હૂક તૈયાર કરાયાં છે.
સ્તંભ સિવાય અન્ય તૈયાર થયેલી તમામ વસ્તુઓ અયોધ્યા મોકલી અપાઈ છે. જ્યારે મુખ્ય ધ્વજ સ્તંભ સહિત તમામ 7 ધ્વજ સ્તંભ પણ તૈયાર થતા શહેરના જાણીતા સંતો અને વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ દ્વારા મંગળવારે સવારે તેનું પૂજન કરવાની સાથે પરિક્રમા કરવામાં આવી હતી. હવે આ તમામ સ્તંભો પણ એકાદ સપ્તાહમાં અયોધ્યા મોકલાશે.