રાજ્યમાં હાલ ધીમે ધીમે ઠંડીની મૌસમ જામી રહી છે. તો બીજી તરફ ઠંડીની સીઝનમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે કિનારાનાં વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. તેમજ ઠંડીમાં વધારો થવાની આગાહી કરી છે.
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં એકાએક પલ્ટો આવી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં દરિયા કિનારાનાં વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેમજ બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. તો ઠંડીમાં પણ 2 થી 4 ડિગ્રીનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે તાપમાન ઘટતા ઠંડીમાં વધારો થશે.
આ બાબતે હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આજે રાજ્યમાં આગામી 24 કલાકમાં છુટો છવાયો કમોસમી વરસાદ પડવાની પણ શક્યતા છે. જેમાં દ્વારકા, કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલીમાં સામાન્ય વરસાદની શકયતા છે. પરંતું હાલ વરસાદની કોઈ સિસ્ટમ એક્ટિવ નથી. વાતાવરણમાં ધુમ્મસનું પ્રમાણ વધુ છે. જેથી છુટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે. ત્યારે નલિયામાં 12.2 ડિગ્રી,ગાંધીનગર 14 અને અમદાવાદમાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.