મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી મોહન યાદવના નેતૃત્વવાળી ભાજપ સરકારનું પહેલું કેબિનેટ વિસ્તરણ સોમવારે થયું હતું. આ અંતર્ગત ભાજપના કુલ 28 નેતાઓએ મંત્રી પદના શપથ લીધા હતા. પ્રધ્યુમનસિંહ તોમર, પ્રહલાદસિંહ પટેલ, કૈલાશ વિજયવર્ગીય, વિશ્વાસ સારંગ સહિત અઢાર નેતાઓને કેબિનેટ મંત્રી તરીકે શપથ લેવડાવવામાં આવ્યા હતા. 6 નેતાઓએ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) અને 4 નેતાઓએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રવિવારે મુખ્યમંત્રી મોહન યાદવ દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને પછી રાજ્યપાલ મંગુભાઇ પટેલ પટેલ સાથે મુલાકાત કરી અને મંત્રીઓની યાદી સોંપી હતી. રાજ્યપાલ પટેલે બપોરે 3:30 વાગ્યે રાજભવન ખાતે મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
13 ડિસેમ્બરના રોજ ભાજપના નેતૃત્વવાળી રાજ્ય સરકારની રચના ત્યારે થઈ જ્યારે મુખ્યમંત્રી મોહન યાદવ અને બે ઉપમુખ્યમંત્રી જગદીશ દેવડા અને રાજેન્દ્ર શુક્લાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં શપથ લીધા. વિધાનસભાની ચૂંટણીમાં 163 બેઠકો પર ભવ્ય વિજય મેળવીને ભાજપ ફરી સત્તા પર આવ્યો હતો જ્યારે કોંગ્રેસને માત્ર 66 બેઠકોથી જ સંતોષ માનવો પડ્યો હતો. મોહન યાદવ સરકારમાં ભાજપના દિગ્ગજ નેતા કૈલાશ વિજયવર્ગીય અને મોદી સરકારમાંથી રાજીનામું આપનાર પ્રહલાદ પટેલ કેબિનેટ મંત્રી બન્યાં છે.