વિરમગામના ઘારાસભ્ય હાર્દિક પટેલ પોતાના વિસ્તારની ગ્રાન્ટેડ શાળાઓની જર્જરિત હાલતને લઈને એક્ટિવ થયા છે તેમણે નાણામંત્રી કનુદેસાઈને પત્ર લખ્યો છે. જેમાં તેમણે રાજ્યની વર્ષો જૂની ગ્રાન્ટેડ શાળાઓના મકાન બાંધકામ સહાય કરવા આ વર્ષના બજેટમાં જોગવાઈ કરવા માટે અપીલ કરી છે.
વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યુ છે કે, હાલ રાજ્યમાં પૈસાદાર વાલીઓ પોતાના બાળકોને ઉંચી ફી ભરીને ભણાવે છે જેથી ગ્રાન્ટેડ શાળામાં મોટા ભાગે ગરીબ બાળકો જ ભણવા માટે આવતા હોય છે. આમ ખાનગી શાળાઓને કારણે ગ્રાન્ટેડ શાળાઓની હાલત કફોડી બની છે. રાજ્યમાં વર્ષો પહેલા શરુ થયેલી આવી ગ્રાન્ટેડ શાળાઓની બાંધેલી ઈમારતો ખુબજ જર્જરિત થયી ગયેલી છે જેથી શાળાઓના નવા મકાનો બનવવા અત્યંત જરુરી છે પરંતુ દાન આપી શકે તેવા સુખી સપન્ન પરિવારના બાળકો ગ્રાન્ટેડ શાળામાં ભણતા નથી.
શાળાઓમાં ગરીબ વર્ગના બાળકો ભણે છે જેથી ગ્રાન્ટેડ શાળાઓ ચલાવતા ટ્રસ્ટો તથા કેળવણી મંડળો મકાન બાંધકામ માટે ફંડ મળવાની શક્યતાઓ ન હોવાથી નાસીપાસ થઇ શાળાઓ બંધ કરવાનું વિચારી રહ્યા છે. આ સાથે તેમણે પોતાના વિસ્તારની આવી શાળાઓનો ઉલ્લેખ કરી ગ્રાન્ટેડ શાળાઓના મકાન બાંધકામ સહાય કરવા માટે અપીલ કરી છે. આ સાથે તેમણે આ પત્રની નકલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ શિક્ષણમંત્રીને પણ મોકલી છે.