કેનેડામાં ભારત વિરોધી અને હિન્દુ વિરોધી તત્વો બેકાબૂ બન્યા છે. ગુરુવારે રાત્રે કેનેડાના સરેમાં હિંદુ મંદિરના પ્રમુખ સતીશ કુમારના પુત્રના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 14 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને હાલ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
અહેવાલો અનુસાર હુમલો 80 એવન્યુના 14900 બ્લોકમાં 27 ડિસેમ્બરે સવારે 8:03 વાગ્યે થયો હતો. સરે રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP)ના નિવેદન અનુસાર, જે ઘર પર હુમલો થયો તે લક્ષ્મી નારાયણ મંદિરના પ્રમુખ સતીશ કુમારના મોટા પુત્રનું છે. જોકે ફાયરિંગમાં કોઈને ઈજા થઈ નથી, પરંતુ ઘરને નુકસાન થયું છે. ઘટના બાદ પોલીસ થોડા કલાકો સુધી ઘટનાસ્થળે રહીને પુરાવાઓની તપાસ કરી અને સાક્ષીઓ સાથે વાત કરી હતી.
જણાવી દઈએ કે આ વિસ્તાર ખાલિસ્તાની કટ્ટરપંથીઓનો અડ્ડો માનવામાં આવે છે. અગાઉ સપ્ટેમ્બરમાં પણ કેનેડાના ટોરોન્ટોમાં એક મોટા હિન્દુ મંદિરને નુકસાન પહોંચાડવાનો મામલો સામે આવ્યો હતો. આરોપીઓએ મંદિરની દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખ્યા હતા.નોંધનીય છે કે આ શહેરમાં જ એક ગુરુદ્વારા પાસે આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવામાં આવી હતી. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત સરકાર પર હત્યાનો આરોપ લગાવ્યો હતો. જો કે તેમના દ્વારા હજુ સુધી કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી.