મે 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને હજુ 4-5 મહિના જેટલો સમય છે ત્યારે ભાજપે અત્યારથી જ તૈયારી શરુ કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ મંગળવારે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી, જેમાં લોકસભા ચૂંટણી માટે પાર્ટીનું સૂત્ર ‘અબકી બાર 400 પાર, ત્રીજી વખત મોદી સરકાર’ નક્કી કરવામાં આવ્યું હતું. આ માટે ભાજપે રાજ્ય, લોકસભા અને વિધાનસભા સ્તરે કન્વીનર અને સહ-કન્વીનર પણ નક્કી કર્યા છે. બેઠકમાં કહેવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં વડાપ્રધાન, ગૃહમંત્રી, રક્ષા મંત્રી અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા લોકસભા સમૂહોની મુલાકાત લેવાનું શરૂ કરશે.
ભાજપે લોકસભા ચૂંટણીમાં 400 પ્લસ બેઠકો જીતવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. જે 2019ની લોકસભા ચૂંટણી કરતા ઘણો વધારે છે. આ ચૂંટણીમાં ભાજપે 300 પ્લસનો ટાર્ગેટ નક્કી કર્યો હતો.
આ બેઠકમાં અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પાર્ટીના મહાસચિવ સુનીલ બંસલ, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, અશ્વિની વૈષ્ણવ અને મનસુખ માંડવિયા અને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા હાજર રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા પણ આ બેઠકમાં સામેલ થયા હતા. અયોધ્યામાં રામ મંદિરનો ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહ 22 જાન્યુઆરીએ થશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહેશે.
ભાજપે લોકસભા ચૂંટણીમાં 400 પ્લસ બેઠકો જીતવાનો ટાર્ગેટ મૂકતાં જ સોશિયલ મીડિયામાં ચર્ચા છેડાઈ હતી કે શું ભાજપ આટલી બધી બેઠકો જીતી શકે. મોટાભાગના યૂઝર્સનું કહેવું છે કે પીએમ મોદીની લોકપ્રિયતા આજ દિન સુધી ટોપ પર છે તે હિસાબે જોતાં ભાજપ 400 પ્લસ બેઠકો જીતી શકે છે.