જાપાનમાં નવા વર્ષે આવેલા ભૂકંપે ભારે તબાહી મચાવી છે. પ્રાથમિક માહિતી મુજબ અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે. આ તરફ 38 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. વિગતો મુજબ અહીં 33 હજાર ઘરોમાં અંધારપટ છે. એટલે કે વીજળીનું કનેક્શન સંપૂર્ણપણે કપાઈ ગયું છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે જાપાની સેનાને મેદાનમાં ઉતારવું પડ્યું.
જાપાને 2024ના પહેલા દિવસે શ્રેણીબદ્ધ ભૂકંપનો સામનો કરવો પડ્યો હતો. જાપાની અધિકારીઓના જણાવ્યા અનુસાર એક જ દિવસમાં લગભગ 155 ભૂકંપ અનુભવાયા હતા. ઘણા આંચકા 6 થી વધુ તીવ્રતાના હતા, જ્યારે પ્રથમ આંચકો 7.6 ની તીવ્રતાનો હતો. આ આંચકાએ સૌથી વધુ તબાહી મચાવી હતી.ભૂકંપની તીવ્રતા જોઈને જાપાનમાં તરત જ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. આ પછી જાપાનના દરિયાઈ વિસ્તારમાં 5 ફૂટ ઉંચા મોજા પણ ઉછળ્યા હતા. આ ભૂકંપના કારણે જાપાનના ઘણા મુખ્ય રાજમાર્ગો બંધ કરવા પડ્યા હતા, જેના કારણે ડોક્ટરો અને સેનાના જવાનો સહિત બચાવ કામગીરીમાં લાગેલા લોકો પણ અલગ-અલગ જગ્યાએ અટવાઈ ગયા હતા. આ રસ્તાઓ પર મોટી તિરાડો જોવા મળી હતી