આખરે ટ્રક ડ્રાઈવરોએ કેન્દ્ર સરકારને ઝૂકાવી દીધી છે. ટ્રક ચાલકોએ બે દિવસમાં એવું રમખાણ મચાવ્યું કે સરકારને બીજા જ દિવસે તેમની માગ માનવાની ફરજ પડી હતી. ટ્રક ડ્રાઈવરો હિટ એન્ડ રનના કાયદા પાછો ખેંચવાની માગણીએ હડતાળ પર ઉતર્યાં હતા. કેન્દ્ર સરકારે તેમની આ માગ સ્વીકારી લેતાં મામલાનું સુખદ સમાધાન આવ્યું છે. મંગળવારે સાંજે ટ્રાન્સપોટર્સ અને કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાની વચ્ચે બેઠક યોજાઈ હતી જેમાં સરકારે ટ્રાન્સપોર્ટર્સની હિટ એન્ડ રનનો કાયદો લાગુ ન પાડવાની માગ સ્વીકારી લેતા હડતાળ સમેટાઈ ગઈ હતી.
કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ જણાવ્યું છે કે દસ વર્ષની સજાના કાયદા અંગે ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ સાથે ચર્ચા કરવામાં આવી છે. આ કાયદો હજુ અમલમાં આવ્યો નથી. અમે તેને લાગુ કરતાં પહેલાં AIMTC સાથે ચર્ચા કરીશું અને તે પછી તેને લાગુ કરશું
ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના અધ્યક્ષ અમૃતલાલ મદને જણાવ્યું હતું કે, બેઠકમાં કહ્યું કે, ડ્રાઈવર ભાઈઓ તમે અમારા સૈનિક છો. અમે નથી ઈચ્છતા કે તમને કોઈ તકલીફ પડે. બેઠકમાં તેમણે કહ્યું કે, જ્યાં સુધી ફરી બેઠક નહી થાય ત્યાં સુધી 10 વર્ષની સજા અને દંડનો કાયદો હમણાં લાગુ નહી થાય.
ભારતીય ન્યાય સંહિતાના હિટ એન્ડ રનના નવા કાયદા મુજબ જો રોડ પર કોઈ હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા અને દંડ જોગવાઈ કરાઈ હતી. જે કાયદા બદલ દેશ સહિત ગુજરાત સહિત દેશભરમાં ટ્રક ચાલકોની હળતાળની વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં તેની અસર થઈ હતી. ટ્રક ચાલકો હડતાલ પર ઉતર્યા હતા. જેને લઈ આજે સરકાર અને ટ્રક ચાલકો વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં હમણા આ કાયદો લાગુ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.