શહેરમાં ઘરફોડ અને વાહન ચોરીના અનેક બનાવો પ્રકાશમાં આવી રહ્યાં છે. ઘરફોડ અને લૂંટના બનાવો વધવા પાછળ સક્રિય થયેલી એક ગેંગને પકડવા માટે પોલીસ પણ સક્રિય થઈ ગઈ છે. ત્યારે શહેર ક્રાઈમ બ્રાંચ દ્વારા 100થી વધુ ચોરી આચરનાર એક કરોડ પતિ ચોરને પકડી લેવામાં આવ્યો છે. આ ચોરે સમગ્ર રાજ્યમાં એક્ટિવા ચોરીને અંજામ આપ્યો છે. ક્રાઈમ બ્રાંચે 41થી વધુ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલીને 4.70 લાખના વાહનો કબજે કર્યાં છે.
ક્રાઈમ બ્રાંચની ટીમ મિલકત ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતાં. તે દરમિયાન તેમને આ કરોડપતિ ચોર અંગે ખાનગી બાતમી મળી હતી. બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવીને દાણિલીમડા પીરાણા કચરાના ઢગલાની સામે સોમનાથ મહાદેવ મંદિર તરફ જતાં રોડની જમણી બાજુએ સ્થિત ખુલ્લી જગ્યામાંથી મુળ રાજસ્થાનના હિતેષ જૈન નામના વાહનચોર આરોપીને પકડી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાંચે તેની પાસેથી 4.70 લાખની કિંમતના 30 એક્ટિવા કબજે કર્યા હતાં.પોલીસની પૂછપરછમાં આરોપી ચોરે જણાવ્યું હતું કે, અમદાવાદમાં વાહન ફેરવવા માટે તેના મોજશોખ માટે તે એક્ટિવાની ચોરી કરતો હતો. તેને એક્ટિવા ચોરી કરવાની આદત થઈ ગઈ હતી. પોલીસે તેણે વાહન ચોરી સિવાય અન્ય કોઈ ગુના કર્યા છે કે કેમ તેમજ તેની સાથે ગુના આચરવામાં બીજુ કોઈ સંડોવાયેલ છે કે નહીં તેની વધુ તપાસ હાથ ઘરી છે. આરોપી પાસા હેઠળ સુરત અને પોરબંદરની જેલમાં સજા ભોગવી ચૂક્યો છે.