આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ED દ્વારા ધરપકડ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે ત્યારે બીજી તરફ તેમનો ગુજરાતના પ્રવાસ ગોઠવાઈ ગયો છે. અરવિંદ કેજરીવાલ 7, અને 8 જાન્યુઆરીએ ગુજરાત આવવાના છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 7, અને 8 જાન્યુઆરીએ ગુજરાત આવવાના છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ તેમની આ મુલાકાત હોવાનું માનવામાં આવી રહ્યુ છે. અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાના સંમેલન અને જનસભાઓને સંબોધિત કરશે. જેલમાં બંધ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની પણ તેઓ મુલાકાત લેશે અને તેમના પરિવાર સાથે પણ મુલાકાત કરશે. કેજરીવાલ ભરુચમા રાત્રિરોકાણ કરશે પાર્ટીના અન્ય ધારાસભ્યો ભાજપમા ન જાય તેના માટેની રણનિતિ બનાવશે.
આગામી 7 જાન્યુઆરી રવિવારના રોજ નેત્રંગ ખાતે તેઓ એક વિશાળ જનસભાને સંબોધશે. આ જનસભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનહાજર રહેશે. ત્યારે તેમનો સમગ્ર કાર્યક્રમ સામે આવ્યો છે. રવિવારે સવારે તેઓ વડોદરા પહોંચશે અને ત્યારબાદ નેત્રંગ ખાતે સભા સંબોધશે. ત્યારબાદ લોકસભાની ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બીજા દિવસે 8 જાન્યુઆરીના રોજ બંને મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સાથે જેલમાં મુલાકાત કરવા માટે જશે. આ સભાની ખૂબ જ જબરદસ્ત તૈયારીઓ ચાલી રહી છે. કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ગામોમાં આ સભાનો પ્રચાર કરી રહ્યા છે.