સરકાર દ્વારા આગામી 10 થી 12 જાન્યુઆરીના રોજ ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 2019 બાદ પ્રથમ વખત વાઇબ્રન્ટ સમિટનું આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં દેશ વિદેશના મહાનુભાવો, વિવિધ ક્ષેત્રના તજજ્ઞો અને ઉદ્યોગ સાહસિકો હાજર રહેશે. આ દરમિયાન તંત્ર દ્વારા શહેરની કાયાપલટ કરી દેવામાં આવી છે. અંદાજીત 80 કરોડથી વધુના ખર્ચે વિવિધ વિભાગોના બજેટ થકી શહેરમાં વિકાસકાર્યો કરવામાં આવી રહ્યાં છે. સેન્ટ્રલ વિસ્ટાથી લઇને એરપોર્ટ રોડ અને વૈષ્ણોદેવી સુધી કાયાપલટ કરવા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરાઇ રહી છે.
વિદેશી મહેમાનોને આકર્ષવા માટે એરપોર્ટથી લઈને મહાત્મા મંદિર સુધીના તેમજ વાયબ્રન્ટના રૂટ પરના તમામ રોડ રસ્તાનું નવીનીકરણ કરી દેવામાં આવ્યું છે. સિટી બ્યુટીફિકેશન અને લોંગ ટર્મ ડેવલપમેન્ટના કામો માટે મહાનગરપાલિકા અને શહેરી વિકાસ સત્તામંડળ (ગુડા)ને કુલ 70 કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. જ્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તમામ મુખ્ય માર્ગોના રિનોવેશન સહિત રોશની અને અન્ય સમારકામનું થઈને અન્ય 10 કરોડ મળીને કુલ 80 કરોડના ખર્ચે શહેરને શણગારવામાં આવી રહ્યું છે.