રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. મોટાભાગના શહેર ઠંડીની ઝપેટમાં આવી ગયા છે. ઠંડીએ એવો સપાટો બોલાવ્યો છે કે, સવારે અને રાત્રે રોડ પર સન્નાટો છવાઈ જાય છે. રાજજીના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. હજુ બે દિવસ ઠંડીનું જોર રહેશે. ત્યારે ગુજરાતમાં હાલ 19 શહેરમાં 15 ડિગ્રીથી પણ નીચું તાપમાન નોંધાયું છે તો 10 ડિગ્રી તાપમાન સાથે નલિયા ઠંડુગાર રહ્યું છે.
નલિયા સાથે રાજકોટમાં 10 ડિગ્રીએ ઠંડીનો પારો પહોંચ્યો છે. દીવ અને કેશોદમાં પણ 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલી, ભુજ અને ડીસામાં 11 ડિગ્રી ઠંડી નોંધાયું છે. ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 15, વડોદરામાં 15 ડિગ્રી તાપમાન રહ્યું છે. હાલ 5 થી 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફુંકાઈ રહ્યો છે. ઉત્તર ભારતમાં હીમ વર્ષાના કારણે ગુજરાતમાં સુસવાટા મારતો પવન ફૂંકાઈ રહ્યો છે. ઠંડીની આગાહી વચ્ચે કમોસમી વરસાદનું જોખમ વધ્યું છે.
રાજ્યમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વલસાડ , નવસારી, સુરત દમણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્માં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ,રાજકોટમાં હળવા વરસાદની આગાહી કરવાંમાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર , આણંદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ટ્રફ લાઈન દક્ષિણ ગુજરાતથી પસાર થવાથી વરસાદ પડશે.