પાકિસ્તાનમાં છેલ્લા ઘણા સમયમાં અનેક કટ્ટરપંથીઓની હત્યા કરવામાં આવી છે. સુન્ની ઉલેમા કાઉન્સિલ નેતા મૌલાના મસૂદ ઉર રહેમાન ઉસ્માનીની ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર હુમલાખોરો મોટરસાયકલ પર આવ્યા હતા અને ઉસ્માનીની કાર પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. મૌલાના મસૂદ ઉસ્માનીને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. કોઈપણ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. આ હત્યા માટે અનેક કારણ જોવા મળી રહ્યા છે.
મૌલાના ઉસ્માની ભારત વિરુદ્ધ ઝેર ઓકતો હતો અને ભડકાઉ ભાષણ આપતો હતો. ઉસ્માનીએ અનેકવાર ભારતમાં જિહાદનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ ઉસ્માનીનું આતંકી હુમલામાં નામ સામે આવ્યું નથી.આ હુમલામાં ઈરાનનો હાથ હોઈ શકે છે. સુન્ની નેતા ઈરાન વિરોધી હોવાનું માનવામાં આવતું હતું. ઈરાની બળ પર થયેલ હુમલામાં સુન્ની આતંકવાદી શામેલ હતા. ઉપરાંત ઈરાનના સિસ્તાન બલૂચિસ્તાનમાં પણ એક મહિના પહેલા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારપછી ઈરાને પાકિસ્તાની સંગઠનો પર હુમલાનો આરોપ લગાવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, ઈરાને ઉસ્માનીની હત્યા કરીને બદલો લીધો હોય તેવું લાગી રહ્યું છે.
મૌલાના ઉસ્માની સુન્ની સંગઠન સિપાહ સહાબા પાકિસ્તાનના નેતા હતા. પાકિસ્તાન તંત્રએ જણાવ્યું છે કે, હુમલાખોરો વિશે જાણકારી પ્રાપ્ત થઈ નથી. ઉસ્માનીની અંતિમ યાત્રા દરમિયાન ઈરાન વિરોધી નારા લગાવવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પોલીસે જણાવ્યું છે કે, CCTV વિડીયોના આધાર સંદિગ્ધ વિશેની જાણકારી મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે.