દહેગામનાં લીહોડા ગામે ઝેરી દારૂ પીધા બાદ 2 વ્યક્તિઓનાં મોત નિપજ્યા હતા. જે બાદ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. તો બીજી તરફ રાજકીય નેતાઓ દ્વારા પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. ત્યારે પોલીસ દ્વારા આ મામલે તાત્કાલિક પગલા ભરી 7 બુટલેગરોની ધરપકડ કરી છે. જેમાં સાંપા ગામનાં કુંવરજી ડાભી, રાજેશ ઠાકોર, લિહોડા ગામનાં પ્રતાપસિંહ ઠાકોર, દિલીપ ઠાકોર, દીનાજી ઠાકોર, ધીરજ ઠાકોર, કનુજી ઠાકોરની ધરપકડ કરી તેઓની પાસેથી દારૂ જપ્ત કરી તેનાં સેમ્પલ લઈ FSL માં મોકલવાની તજવીજ હાથ ધરી છે.
દહેગામનાં લીહોડામાં ઝેરી દારૂને લઈને થયેલા મોત મામલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. તેમજ FSL નો પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે. રાજનીતિ નહિ સામાજિક દુષણ સામે કડકાઈ પૂર્વક કામગીરી કરી રહ્યા છીએ. સંપૂર્ણ માહિતી સાંજ સુધીમાં આપવામાં આવશે. ઉચ્ચકક્ષાની તપાસ ચાલી રહી છે.