ગુજરાત હાઇકોર્ટે GPSC ની જાતીય અસંવેદનશીલતા મામલે ભારે નારાજ વ્યક્ત કરી છે. માહિતી મુજબ, ગુજરાત હાઈકોર્ટે GMDC માં પ્રવેશ મામલે GPSC ને નોટિસ ફટકારી છે અને યોગ્ય નિર્ણય ન આવે ત્યાં સુધી જાહેર કરાયેલી પોસ્ટ માટે 1 બેઠક ખાલી રાખવા આદેશ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી 19 જાન્યુઆરીએ થશે. પ્રસુતિનાં દિવસો દરમિયાન અરજદાર મહિલાને ક્લાસ-2 ના ઇન્ટરવ્યૂમાં હાજર થવા માટે કરેલા GPSC ના વર્તણૂક સામે કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે.
ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશનમાં ક્લાસ-2ના ઇન્ટરવ્યૂમાં પ્રસુતિનાં દિવસો દરમિયાન અરજદાર મહિલાને હાજર થવા GPSC ના વર્તણૂક સામે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરી છે. માહિતી મુજબ, ગાંધીધામની મહિલાએ ફાઇનાન્સ અને એકાઉન્ટ વિભાગમાં ક્લાસ-2માં આસિસ્ટન્ટ મેનેજરની જગ્યા માટે અરજી કરી હતી. GPSC દ્વારા 1 જાન્યુઆરીના રોજ ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યો હતો. જો કે, આ દરમિયાન અરજી કરનાર મહિલા ગર્ભવતી થઈ હતી. આથી મહિલાએ એ જ સમયમાં ડિલિવરી હોવાથી વધુ સમયની દાદ માગી હતી અને 1 જાન્યુઆરીના રોજ ઇન્ટરવ્યૂ રખાતા મહિલાએ ઈ-મેઇલ મારફતે ગર્ભવતી હોવાની જાણ પણ કરી હતી.
જો કે, ગર્ભવતી મહિલાને ઇન્ટરવ્યૂ માટે 300 કિમી દૂર ગાંધીધામથી ગાંધીનગર બોલાવાઈ હતી. આથી મહિલાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ મામલે હાઈકોર્ટે પ્રસુતિના દિવસો દરમિયાન મહિલા સાથે કરેલી વર્તણૂક મામલે GPSC સામે લાલ આંખ કરી હતી અને નોટિસ ફટકારી હતી. કોર્ટે કહ્યું કે, ડિલિવરી કેસમાં ઓનલાઇન ઇન્ટરવ્યૂ પણ લઈ શકાય એમ હતો, પરંતુ એવું થયું નહીં. આ સાથે કોર્ટે યોગ્ય નિર્ણય ન આવે ત્યાં સુધી જાહેર કરાયેલી પોસ્ટ માટે 1 બેઠક ખાલી રાખવા આદેશ પણ કર્યો છે. આ મામલે હવે વધુ સુનાવણી 19 જાન્યુઆરીએ હાથ ધરાશે.