ગઈકાલે અમદાવાદના બોપલ વિસ્તારમાં એક ગોઝારી ઘટના બની હતી. બર્ડ રેસ્ક્યૂ કરવા જતા હાઈ ટેન્શન લાઈનને પાઇપ અડી જતા ફાયર જવાન ભડભડ સળગી ગયો હતો. આ દુર્ઘટનામાં ફાયરમેનનું મોત નીપજ્યું હતું. ફાયર જવાનના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ છે. પરિવારજનોએ મૃતક જવાનની પત્નીને નોકરી આપવા તંત્રને માગ કરી છે.
અમદાવાદના બોપલ વિસ્તારમાં ગઈકાલે હચમચાવે એવી એક ઘટના બની હતી. ફાયર બ્રિગેડને બર્ડ રેસ્ક્યૂ માટે કોલ આવતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર જવાન અનિલ પરમારે પાઈપ વડે દોરીમાં ફસાયેલા એક પક્ષીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ દરમિયાન પાઇપ હાઈ ટેન્શન લાઈનને અડી જતાં અનિલ પરમારને કરંટ લાગ્યો હતો. કરંટ એટલો જોરદાર હતો કે અનિલ પરમારનું આખું શરીર ક્ષણભરમાં જ આગની ચપેટમાં આવી ગયું. અનિલ પરમાર સાથે આવેલા અન્ય જવાન કંઈ સમજે તે પહેલા જ અનિલ પરમાર આગમાં ભડથું થઈ ગયા હતા. આ ઘટનામાં અનિલ પરમારનું મોત નીપજ્યું હતું.
ફાયર જવાન અનિલ પરમારની મોત બાદ પરિવારમાં ગમગીની છવાઈ છે. પરિવારજનોએ મૃતક ફાયર જવાન અનિલ પરમારની પત્નીને નોકરી અને વડતર આપવા માગ કરી છે. આ સાથે જવાનના પત્નીને નોકરી મળશે તેવો લેખિતમાં જવાબ પણ માગ્યો છે. ત્યારે તંત્ર દ્વારા જવાના પત્નીને નોકરી આપવાની બાહેધરી આપવામાં આવી છે. પરિવારને લેખિત મળે એટલે તે ડેડબોડી સ્વીકારી તેનો અંતિમ સંસ્કાર કરશે.