દેશભરમાં અત્યારે માર્ગ સલામતી મહિનાની ઉજવણી કરવામાં આવી રહી છે. 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી મહિનાની ઉજવણી ચાલી રહી છે. જે અંતર્ગત ગુજરાત સરકારે NICના સહયોગથી વન નેશન, વન ચલણ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ મોબાઈલમાં ઇ-ચલણ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. આ એપ્લિકેશનના અમલથી વાહનચાલકોએ ટ્રાફિક નિયમોના ભંગ બદલ સ્થળ પર જ ઇ-ચલણ આપવામાં આવશે
માર્ગ સલામતી મહિનામાં સરકાર દ્વારા જે વન નેશન વન ચલણ નો એપ્લીકેશન આપવામાં આવી છે તેનાથી વાહન ચાલક જો નિયમોનો ભંગ કરશે તો તેને સ્થળ પરજ ઈ-મેમો આપવામાં આવશે. વાહનચાલકો આ ચલણ સ્થળ પર પણ ભરી શકશે. આ સાથે 135 દિવસ સુધીમાં ચલણ નહીં ભરનાર વાહનચાલક સામે કોર્ટ કાર્યવાહી કરશે. અત્યાર સુધી પોલીસ દ્વારા તર્કશ એપ્લિકેશન થકી ઇ-ચલણ આપવામાં આવતા હતા. જે હવેથી આ પ્રોજેક્ટ હેઠળ એપ્લિકેશન થકી ટ્રાફિક પોલીસ હેલ્મેટ, સીટબેલ્ટ, તેમજ નો પાર્કિંગ સહિતના ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ઇ-ચલણ આપશે. જેમાં વાહનચાલકો સ્થળ પર પણ દંડ ભરી શકશે. જો સ્થળ પર દંડ ન ભરવો હોય તો બાદમાં પોતાના ફોન થકી પણ ભરી શકશે.
આ એપ્લિકેશનની ખાસિયત એ છે કે, તેમાં ચલણ જનરેટ થતાની સાથે જ આરટીઓમાં તે જોઈ શકાશે. ઉપરાંત વાહનચાલક ચલણ ભર્યા વિના પોતાનું વાહન વેંચી કે ટ્રાન્સફર નહીં કરી શકે. જેથી ટ્રાફિક પોલીસે હવેથી વાહનચાલકોને ટ્રાફિકના નિયમો પાળવા માટેની અપીલ કરી છે.