ગુજરાતમાં અનેક સમસ્યાઓની વચ્ચે કોઈ ચિંતાજનક સમસ્યા હોય તો તે છે કુપોષણ. રાજ્ય સરકાર કુપોષણને દુર કરવા માટે વિવિધ પ્રયાસો કરી રહી છે. અર્બન હેલ્થ સેન્ટર થી લઈને આંગણવાડી માં પ્રયાસો કરાઈ રહ્યા છે. વિવિધ અભિયાનો પણ ચલાવાઇ રહ્યા છે. પણ તેમ છતાં તેનો યોગ્ય પડઘો નથી પડી રહ્યો જે સુર્યા શોભા વંદના નામની સંસ્થાનું અવલોકન છે. જેને લઈને સંસ્થાએ આ કાર્ય ઉપાડ્યું અને અમદાવાદની એક વસાહત ને સંપૂર્ણ કુપોષણ મુક્ત બનાવી.
આ વાત છે અમદાવાદના ન્યુ વાસણા વિસ્તારમાં વાસણા ગુજરાતી શાળા પાસેની વસાહતના કે જ્યાં ખાનગી સંસ્થા દ્વારા કરાયેલી કામગીરીથી વસાહત ને સંપૂર્ણ કુપોષણ મુક્ત બનાવાઈ છે. 3 મહિના પહેલા સુર્યા શોભા વંદના નામની સંસ્થા દ્વારા કામગીરી શરૂ કરાઇ હતી. જેમાં વસાહતના 750 મકાનના સર્વે કરતા 300 ઉપર મકાનમાં બાળકો મળી આવ્યા. જેમાં 70 બાળકો કુપોષણમાં હોવાનું સામે આવ્યું. જે બાદ બાળકોને કુપોષણ માંથી બહાર કાઢવા પ્રક્રિયા શરૂ કરાઇ. જ્યાં બાળકોના સ્ક્રીનીંગ અંગે માતા પિતાને સમજણ અપાઈ. બાળકોના વજન અને હાઈટ અને શરીરના બાંધા આધારે કુપોષણ નક્કી કરી ખોરાક અને દવા શરૂ કરાઇ.
આ સાથે સંસ્થા દ્વારા બાળકોના પરિવારને બાળકને સ્પષ્ટ પણે પડીકા ન આપવા અને પોષ્ટિક આહાર આપવા સૂચન કરાયું. જે પ્રયાસ સફળ રહ્યો અને અઢી મહિનાની મહેનતે આખું વસાહત કુપોષણ માંથી બહાર આવ્યું. જેથી પરિવારે સંસ્થાનો આભાર પણ માન્યો. તેમજ અન્ય ખાવાનું છોડી પૌષ્ટિક ખાવાનું શરૂ કરી સ્વાસ્થ્ય સુધાર્યું. ખાનગી સંસ્થાના આ પ્રયાસની સરકારે પણ નોંધ લીધી. જ્યાં સરકારે તેમના કાર્યને આગળ વધારવા આગળ આવી. અને તાજેતરમાં ગુજરાત વાઇબ્રન્ટ માં થઈ રહેલા વિવિધ MOU વચ્ચે કુપોષિત બાળકો ને બહાર કાઢવા માટે સરકારે સંસ્થા સાથે 108 કરોડના MOU કર્યા.
સુર્યા શોભા વંદના નામની સંસ્થાના પ્રમુખ અર્પિતા શાહના જણાવ્યા પ્રમાણે નીતિ આયોગના આંકડા મુજબ અમદાવાદમાં 10 હજાર જ્યારે ગુજરાતમાં 2 લાખ ઉપર બાળકો કુપોષિત છે. જેમાં આ MOU થકી રાજ્યમાં 75 હજાર બાળકોને કુપોષણ માંથી બહાર કાઢવાનો અંદાજ છે તેટલું બજેટ છે. હાલમાં સંસ્થા દ્વારા કરેલી કામગીરીમાં અંદાજે 10 લાખના ખર્ચે અમદાવાદમાં ન્યુ વાસણા વિસ્તારમાં આવેલ વસાહતના 70 બાળકોને અઢી મહિના સરકારી શાળા અને ઘરે ઘરે જઈને કેમ્પેઇન ચલાવી કુપોષણ માંથી બહાર કઢાયા છે. જેમાં શહેરી વિસ્તાર માટે એક બાળક પાછળ 12 હજાર જ્યારે ગ્રામ્યના બાળક માટે 15 હજાર ખર્ચ મનાઈ રહ્યો છે. તેમજ ન્યુ વાસણા બાદ હવે સંસ્થા અમરાઈવાડીમાં કુપોષણ મુક્ત અભિયાન હાથ ધરશે.
એક વસાહત ને કુપોષણ મુક્ત કરવી તે મોટી અને સારી બાબત છે. પણ હજુ રાજ્યમાં આવા અનેક બાળકો છે જે કુપોષિત છે. જેમને જલ્દી બહાર લાવવા જરૂરી છે. કેમ કે સંસ્થાના મતે જો કુપોષિત બાળકની જલ્દી સારવાર ન થાય તો તે બાળક ને ટીબી અને કેન્સર જેવા રોગ પણ થઈ શકે છે જે ગંભીર બાબત બની શકે. તેમજ જેમ આ સંસ્થા આગળ આવી અને એક વસાહત ને કુપોષણ માંથી બહાર કાઢી. તે રીતે સરકાર પણ કઈ કરે તો અનેક બાળકો જલ્દી કુપોષણ માંથી બહાર આવી શકે છે.