રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. અગાઉ પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ કોંગ્રેસ પાર્ટીએ નકારી કાઢ્યું હતું. ત્યારે હવે પૂર્વ ભારતીય ક્રિકેટર અને AAP સાંસદ હરભજન સિંહ (Harbhajan Singh) રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થવા અંગે પ્રતિક્રિયા આપી છે. હરભજન સિંહે કહ્યું કે, ‘કોઈ પાર્ટી જાય કે ન જાય, પરંતુ હું તો સમારોહમાં હાજરી આપીશ. જો કોઈને મારા જવાથી કોઈ વાંધો હોય તો, જે થાય તે કરી શકે છે.’
હરભજન સિંહે કહ્યું કે, કોઈ ગમે તેમ કહે પરંતુ હકીકત તો એ છે કે, આજે મંદિર બની રહ્યુ છે આપણુ સૌભાગ્ય છે આપણા સમયમાં આ મંદિર બની રહ્યું છે, કોઈ પાર્ટી જાય કે ન જાય, પરંતુ મારી ભગવાનમાં આસ્થા છે હું તો સમારોહમાં જરુર જઈશ, કોંગ્રેસને ન જવું હોય તો ના જાય, અને મારા જવાથી જો કોઈને વાંધો હોય તો તેને જે કરવું હોય તે કરે, હું જે કંઈ પણ છું તે તેમની કૃપા છે.
હરભજન સિંહનું આ નિવેદન ઘણા રાજકીય પક્ષોએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના આમંત્રણને નકારી કાઢ્યા બાદ આપવામાં આવ્યું છે. હરભજને સ્પષ્ટ કર્યું કે તેઓ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં જરુર જશે. હરભજન સિંહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને અન્ય પાર્ટીઓ પર પણ નિશાન સાધ્યું હતું.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશમાં પણ રાજનીતિ ચાલી રહી છે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોનું કહેવું છે કે, ભારતીય જનતા પાર્ટી આ મુદ્દાનો રાજકીય ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહી છે. જો કે,આમ આદમી પાર્ટીએ સુંદરકાંડનું આયોજન કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હી અને ગુજરાત બાદ હવે હરિયાણામાં પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવશે.