વર્ષોની લાંબી પ્રતીક્ષા બાદ આખરે આજે રામલલા અયોધ્યાના રામ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને દેશના ખૂણે ખૂણે અલગ વાતાવરણ જોવા મળી રહ્યું છે. સામાન્ય લોકોથી લઈને બોલિવૂડ સેલેબ્સ સુધી દરેક લોકો રામની ભક્તિમાં મગ્ન દેખાય છે. એવામાં સાઉથ સિનેમાના મેગાસ્ટાર ચિરંજીવી અને તેમના પુત્ર રામ ચરણ રામ મંદિરના અભિષેક સમારોહમાં હાજરી આપવા માટે રવાના થયા છે.
આ દરમિયાન ચિરંજીવીએ કહ્યું કે, ‘આ ખરેખર મહાન છે. જબરદસ્ત. અમને લાગે છે કે આ એક દુર્લભ તક છે. મને લાગે છે કે ભગવાન હનુમાને મને વ્યક્તિગત રીતે આમંત્રણ આપ્યું છે અને અમે નસીબદાર છીએ કે આ પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બનીશું.’ હાલ એમનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સુપરસ્ટાર રામ ચરણ પણ તેના પિતા સાથે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા માટે રવાના થયા છે. તેણે કહ્યું કે આ દિવસની ખૂબ જ આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. આ મારા માટે ખૂબ જ ભાગ્યની વાત છે
ઉપરાંત ગઇકાલે મેગાસ્ટાર ચિરંજીવીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી અને પીએમને અભિનંદન પાઠવ્યા હતા. અયોધ્યામાં રામ મંદિરના અભિષેકનું આમંત્રણ મળવા પર ચિરંજીવીએ સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી હતી. ચિરંજીવીએ લખ્યું કે,
‘હું આ આમંત્રણને અયોધ્યામાં રામલાલની પ્રતિષ્ઠાના સાક્ષી બનવાની દિવ્ય તક માનું છું. એ ગૌરવશાળી અધ્યાય, જ્યારે ભારતીયોની પાંચસો વર્ષથી વધુ પેઢીઓની દર્દભરી રાહ સફળ થવા જઈ રહી છે. મને એવું લાગે છે કે જાણે અંજના દેવીના દિવ્ય ‘ચિરંજીવી’ પુત્ર, ભગવાન હનુમાને પોતે આ અમૂલ્ય ક્ષણો જોવાની ભેટ સાંસારિક અંજના દેવીના પુત્ર ચિરંજીવીને આપી છે. ખરેખર એક અવર્ણનીય અનુભવ, મારા અને મારા પરિવારના સભ્યો માટે ઘણા જીવનનું ધન્ય ફળ.’
અભિનેતાએ આગળ લખ્યું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને હાર્દિક અભિનંદન, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગીજીને તેમનું સન્માન કરવા બદલ હાર્દિક અભિનંદન.