આખરે એ સમય આવી ગયો છે જ્યારે અયોધ્યામાં રામલલ્લા વિરાજમાન થવા જઈ રહ્યા છે. 500 વર્ષની રાહ જોયા બાદ આજે ભગવાન શ્રી રામ તેમના ભવ્ય અને દિવ્ય મંદિરમાં નિવાસ કરવા જઈ રહ્યા છે. તેથી હજારો ક્વિન્ટલ ફૂલોથી અયોધ્યા શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના સીએમ યોગી, સંત સમાજ અને ખાસ લોકોની હાજરીમાં પૂર્ણ થવા જઈ રહી છે.
અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન અને રામલલાના અભિષેકનો કાર્યક્રમ આજ રોજ 84 સેકન્ડના શુભ મુહૂર્તમાં કરવામાં આવશે. અયોધ્યા સ્થિત રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેકની વિધિ શરૂ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે આજે બપોરે 12 વાગ્યા પછી અભિષેક થશે.
આ સમારોહમાં સામેલ થવા માટે દેશ-વિદેશના અનેક અતિથી પહોંચી ગયા છે. તેમાં સંઘ પ્રમુખ મોહન ભાગવત, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, મુકેશ-નીતા અંબાણી, ગૌતમ અદાણી, અમિતાભ બચ્ચન, રજનીકાંત સામેલ છે. તેમજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા પહોંચી ગયા છે.
અયોધ્યા રામ મંદિરમાં પૂજા વિધિની ઝલક સામે આવી છે. આજે અભિષેક વિધિ થઈ રહી છે. VHPના પ્રવક્તા શરદ શર્માએ આ જાણકારી આપી છે. સમગ્ર અયોધ્યા શહેર આધ્યાત્મિક રંગોથી રંગાઈ ગયું છે. અયોધ્યા શહેર સંપૂર્ણપણે સુશોભિત અને તૈયાર છે. અયોધ્યામાં રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સવારે 10 વાગ્યાથી ‘મંગલ ધ્વનિ’ના ભવ્ય નાદ સાથે શરૂ થઈ હતી. દેશના વિવિધ રાજ્યોના 50થી વધુ મનમોહક વાદ્યો લગભગ બે કલાક સુધી મનમોહક ધૂન વગાડશે.
અયોધ્યા શહેર સોમવારે રામ મંદિરમાં આયોજિત થનારા અભિષેક સમારોહની ભવ્ય ઉજવણી માટે તૈયાર છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ સમારોહની ધાર્મિક વિધિઓમાં ભાગ લેશે. આ મંદિર વિધિના બીજા જ દિવસે જાહેર જનતા માટે ખોલવામાં આવશે. ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહ બપોરે 12.20 વાગ્યે શરૂ થશે અને બપોરે 1 વાગ્યા સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. આ પછી, વડા પ્રધાન સ્થળ પર સંતો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સહિત 7,000 થી વધુ લોકોની સભાને સંબોધિત કરશે.