શું ગુજરાતમાં ખરેખર દારૂબંધી છે? અને છે તો ક્યાં છે? વાત છે વેરાવળ શહેરની કે જ્યાં વિદેશી દારૂ જેવું બનાવટી પ્રવાહી ભરી નશાખોરો અને નશાના વેપાર સાથે સંકળાયેલા ઈસમો સાથે છેતરપિંડી કરતા ભેજાબાજને ગીર સોમનાથ SOGએ શંકાસ્પદ પ્રવાહી ભરેલા 151 વિદેશી દારૂની બોટલના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગીર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનો સર્વેલન્સ સ્ટાફ વેરાવળ શહેરમાં પેટ્રોલિંગમાં હતો. ત્યારે સયુંકત બાતમી મળી હતી કે, વેરાવળ સોમનાથ ટોકીઝ વિસ્તારના અજમેરી કોલોની કાદરી એપાર્ટમેન્ટ પાછળ સુલતાન લખેલ મકાનમાં અમુક ઈસમો વિદેશી દારૂની બોટલોમાં બનાવટી દારૂ જેવું પ્રવાહી ભરી નશાખોર લોકો અને આવી ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો સાથે છેતરપીંડી કરે છે. જે અનુસંધાને બાતમી વાળા સ્થળ પર દરોડો પાડતા સુલતાન લખેલા મકાનમાંથી તૌસીફભાઇ ઉર્ફે મેલો યુસુફભાઇ ચીનાઇ પટણી નામનો ઈસમ શંકાસ્પદ દારૂ જેવું પ્રવાહી ભરેલી વિદેશી દારૂની બોટલ નંગ 151 સાથે રંગેહાથ સ્થળ પરથી ઝડપાયો હતો.