ઉન્મુક્ત ચંદ એક એવા ક્રિકેટર છે, જેમણે એક સમયે જેમની કેપ્ટનશીપમાં ભારતે U19 વર્લ્ડ કપ જીત્યો હતો. આ ખેલાડીને લોકો ભવિષ્યનો કોહલી અને સેહવાગ કહેતા હતા, પરંતુ આ ખેલાડી ખાસ મુકામ સુધી પહોંચી ના શક્યો. ઉન્મુક્ત ચંદ એકપણ ઈન્ટરનેશનલ મેચ રમી શક્યા નહીં, જેના કારણે 28 વર્ષની ઉંમરે ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. હવે આ ખેલાડી USAની ટીમનું પ્રતિનિધિત્ત્વ કરતો જોવા મળશે.
થોડા સમય પહેલા T20I વર્લ્ડ કપ 2024નું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષે વેસ્ટઈન્ડીઝ અને અમેરિકા આ ટુર્નામેન્ટની મેજબાની કરશે. ભારત પહેલી મેચ 5 જૂનના રોજ આયર્લેન્ડ સામે રમશે. 12 જૂનના રોજ અમેરિકા અને ભારત વચ્ચે મેચ રમાશે. આ મેચમાં ભારતીય મૂળના ખેલાડી ઉન્મુક્ત ચંદ અમેરિકા તરફથી રમશે.
મીડિયા રિપોર્ટ અનુસાર ઉન્મુક્ત ચંદે જણાવ્યું છે કે, ‘ભારતની સામે રમવું ખૂબ જ અજીબ હશે. જ્યારથી મેં ભારતીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે, ત્યારથી મારો એક ગોલ છે કે, હું ભારત વિરુદ્ધ મેચ રમું.’
ઉન્મુક્ત ચંદે 13 ઓગસ્ટ 2021ના રોજ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. ઉન્મુક્ત ચંદે આ અંગે સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી કે, ‘પોતાના દેશ તરફથી ના રમી શકવું તે મારા માટે ખૂબ જ ગંભીર બાબત છે. વ્યક્તિગતરૂપે ભારતમાં મારી ક્રિકેટ જર્ની શાનદાર રહી છે. ભારત માટે U19 વર્લ્ડ કપ જીતવો તે મારા માટે સૌથી સારી મોમેન્ટ છે. એક કેપ્ટન તરીકે કપ ઉઠાવવો અને દેશમાં લાવવો તે ખૂબ જ શાનદાર પળ છે. ક્રિકેટ એક આંતરરાષ્ટ્રીય રમત છે. એવું થઈ શકે કે, તે બદલાઈ જાય પરંતુ ધ્યેય હંમેશા એક જ રહે છે કે, ટોપ લેવલે રમવું. તમામ લોકોનો આભાર.’ ઉન્મુક્ત ચંદે તેમના કરિઅરમાં 67 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે, જેમાં 31.57ની સરેરાશથી 3,379 રન કર્યા છે. લિસ્ટ એ ક્રિકેટમાં તેમણે 120 મેચમાં 41.33ની સરેરાશથી 4,505 રન કર્યા છે. 77 મેચમાં 22.35ની સરેરાશથી 1,565 રન કર્યા છે.