લોકસભા ચૂંટણી પહેલા નીતિશ કુમાર NDA ગઠબંધનમાં જોડાય તેવી વાતો વચ્ચે હવે બિહારનું રાજકારણ ગરમાયું છે. વાત જાણે એમ છે કે, બિહારમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે RJD કેમ્પમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. તેજસ્વી યાદવે કહ્યું કે, તેઓ આસાનીથી તખ્તાપલટ થવા દેશે નહીં અને રાજ્યાભિષેક ફરીથી આસાનીથી થવા દેશે નહીં. એવું કહેવામાં આવી રહ્યું છે કે, RJD CM પદ માટે કોઈ દલિત ચહેરાને આગળ કરી શકે છે. આ બધા વચ્ચે રાષ્ટીય જનતા દળ (RJD) એ રાજકીય સંકટને પહોંચી વળવા માટે આજે બપોરે 1 વાગ્યે તેજસ્વી યાદવના 5 સર્ક્યુલર રોડ સ્થિત નિવાસસ્થાને ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. આ બેઠકમાં કોઈ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.
RJD ઉપાધ્યક્ષ શિવાનંદ તિવારી પણ નીતિશના વલણથી નારાજ દેખાયા. તેમણે કહ્યું, ગઈકાલે મેં નીતીશ કુમાર સાથે એપોઈન્ટમેન્ટ માંગી હતી પરંતુ હજુ સુધી એપોઈન્ટમેન્ટ મળી નથી. અમે નીતિશને કહ્યું શું વાત છે, મારી માટે સમય નથી. આ અંગે તેમણે કહ્યું કે તે આજે જ જણાવીશ. નીતિશ કુમારનું નામ ઈતિહાસમાં કેવી રીતે નોંધાશે? આ તરફ નીતિશના પક્ષ બદલવાના સમાચારો વચ્ચે RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ એકદમ બેચેન દેખાઈ રહ્યા છે. એક ચર્ચા એવી પણ છે કે, લાલુએ નીતિશને લગભગ 5 વખત ફોન કર્યો પરંતુ નીતીશે લાલુનો ફોન ઉપાડ્યો નહીં જેના કારણે નીતિશે સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે, તેઓ ભાજપ સાથે જવાના છે.
આ બધાની વચ્ચે બિહાર કોંગ્રેસ અધ્યક્ષ અખિલેશ સિંહે પણ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અમે કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર છીએ. અગાઉ પણ ધારાસભ્યોને તોડવાના પ્રયાસો થયા છે. એક એમએલસીએ પાર્ટી છોડી દીધી હતી. આ પછી કોઈ ગયું? પૂર્ણિયામાં રાહુલ ગાંધીની રેલી અંગે તેમણે કહ્યું કે, તેમાં હાજરી આપવા માટે નીતિશ કુમારને આમંત્રણ આપવામાં આવ્યું છે.
જોકે એક વાત એવી પણ ચર્ચાઇ રહી છે કે, ભાજપ અને નીતીશ કુમાર વચ્ચે ડીલ ફાઈનલ થઈ ગઈ છે. ભાજપ ફરી નીતીશને ગળે લગાડવાની તૈયારીમાં લાગે છે. રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની ફોર્મ્યુલા વહેતી થઈ રહી છે. એક ફોર્મ્યુલા એવી છે કે, કદાચ વિધાનસભા ભંગ કરી દેવામાં આવે પરંતુ એવી પણ શક્યતા છે કે, ભાજપ નીતિશને ફરીથી મુખ્યમંત્રી બનાવવા માટે તૈયાર છે.
બિહાર વિધાનસભાની સંખ્યાની રમત વિશે વાત કરીએ તો 243 સભ્યોના ગૃહમાં બહુમતી માટે જરૂરી જાદુઈ આંકડો 122 ધારાસભ્યોનો છે. લાલુ યાદવની આગેવાની હેઠળની RJD 79 સભ્યો સાથે સૌથી મોટી પાર્ટી છે, જ્યારે ભાજપ 78 ધારાસભ્યો સાથે બીજા સ્થાને છે. નીતિશ કુમારની પાર્ટી JDU 45 ધારાસભ્યો સાથે ત્રીજી પાર્ટી છે. કોંગ્રેસ પાસે 19 અને ડાબેરીઓ પાસે 16 ધારાસભ્યો છે. જો આપણે RJD, કોંગ્રેસ અને ડાબેરીઓના ધારાસભ્યોની સંખ્યા ઉમેરીએ તો કુલ સભ્યોની સંખ્યા 114 સુધી પહોંચે છે, જે બહુમત માટે જરૂરી જાદુઈ આંકડા કરતા આઠ ઓછી છે.