આસારામના પુત્ર નારાયણ સાઈ સામે સુરતની એક મહિલાએ વર્ષ 2013માં જહાંગીરપુરા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. નારાયણ સાઈ સામે સુરતની સેશન્સ કોર્ટમાં વર્ષ 2014માં કેસ દાખલ થયો હતો, જેનો વર્ષ 2019માં ચુકાદો આવ્યો હતો. એમાં કોર્ટે નારાયણ સાઈને આજીવન કારાવાસની સજા ફટકારી હતી, જેને તેણે હાઇકોર્ટમાં પડકારી અને કેસ પેન્ડિંગ છે. ત્યારે નારાયણ સાઈએ પોતાના પિતા આસારામની તબિયત ખરાબ હોવાથી અને તેમને જોધપુરની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરેલા હોવાથી 20 દિવસના હંગામી જામીન હાઇકોર્ટ સમક્ષ માગ્યા હતા. જોકે તેણે હંગામી જામીન અરજી પરત ખેંચી લીધી છે. તમામ ડોક્યુમેન્ટ્સ એફિડેવિટ ઉપર આપવા કોર્ટે કહ્યું છે. કોર્ટને નારાયણ સાઈ પર વિશ્વાસ નથી.
પોલીસે આરોપી નારાયણ સાઈ સામે IPCની કલમ 376(2)(C), 377, 354, 357, 342, 323, 504, 506(2), 120B, 212, 153 અને 114 મુજબ ગુનો નોંધ્યો હતો.
નારાયણ સાઈ સામે સુરતની સેશન્સ કોર્ટમાં વર્ષ 2014માં કેસ દાખલ થયો હતો, જેનો વર્ષ 2019માં ચુકાદો આવ્યો હતો. એમાં કોર્ટે નારાયણ સાઈને આજીવન કારાવાસની સજા ફટકારી હતી, જેને તેણે હાઇકોર્ટમાં પડકારી અને કેસ પેન્ડિંગ છે. ત્યારે નારાયણ સાઈએ પોતાના પિતા આસારામની તબિયત ખરાબ હોવાથી અને તેને જોધપુરની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરેલ હોવાથી 20 દિવસના હંગામી જમીન હાઇકોર્ટ સમક્ષ માગ્યા હતા. આ જામીન અરજી પર આજે જજ એ.એસ.સુપેહીઆ અને વિમલ વ્યાસની કોર્ટમાં રજૂ થઈ હતી.અરજદારે કોર્ટ સમક્ષ મૂકેલા પેપર્સમાંથી કોર્ટે નોધ્યું હતું કે આગાઉ પણ કોર્ટે નારાયણ સાઈની હંગામી જામીન અરજી 1 લાખ રૂપિયાના દંડ સાથે ફગાવી હતી, કારણ કે તેને માતાના ખોટા મેડિકલ ડોક્યુમેન્ટ્સ બનાવડાવી હંગામી જામીન અરજી મૂકી હતી. કોર્ટે જણાવ્યું હતું કે આસારામ 85 વર્ષના છે એટલે આ બધી ઉંમર સંબંધી તકલીફ છે. વળી, આસારામની પુત્રી અને પત્ની છે, જે આસારામનું ધ્યાન રાખી શકે તેમ છે. વળી, બાપ-બેટા બંને એકસરખા ગુનામાં દોષિત ઠર્યા છે. AIIMS હોસ્પિટલમાં આસારામની સરખી સારવાર થશે.
હંગામી જામીન મેળવવા નારાયણ સાઈએ કોર્ટ સમક્ષ આસારામની જે ક્રિટિકલ પરિસ્થિતિની રજૂઆત કરી છે. તેની સાથે કોર્ટ સહમત નથી, કારણ કે ડોક્યુમેન્ટ્સમાં એવું દેખાતું નથી. નારાયણ સાઈના વકીલે મેડિકલ ડોક્યુમેન્ટ્સ અપાતા નથી એવી ફરિયાદ કરી હતી. જોકે કોર્ટે કહ્યું હતું કે આસારામ સાથે તેની પુત્રી છે, જેથી તેને કહો કે કાગળિયા મોકલી આપે. નારાયણ સાઈના વકીલે દલીલ કરી હતી કે આસારામને 95 ટકા બ્લોકેજ છે અને 6 બોટલ લોહી ચઢાવવામાં આવ્યું છે. જોકે કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે આસારામની તબિયત ક્રિટિકલ છે એવું સ્પષ્ટ કાગળ ઉપર લાવો.
નારાયણ સાઈના વકીલ કેટલાક જરૂરી કાગળો કોર્ટ સમક્ષ લઈને ઉપસ્થિત થયા હતા, પરંતુ કોર્ટે એને એફિડેવિટ પર આપવા જણાવ્યું હતું, સાથે જ નારાયણ સાઈ પર હવે કોર્ટને સહેજ પણ વિશ્વાસ નથી એમ જણાવ્યું હતું. રાજસ્થાનથી કાગળિયા ન મળતાં હોવાની ફરિયાદ અંગે કોર્ટે કહ્યું હતું કે તમે બધા કાગળિયા મેળવીને એને એફિડેવિટ પર આપો અને ફ્રેશ અરજી ફાઈલ કરો, જેથી કોર્ટનું કડક વલણ જોતાં અરજદારે આ હંગામી જામીન અરજી પરત ખેંચી હતી.
ઉલ્લેખનીય છે કે નારાયણ સાઈએ પોતાની જામીન અરજીમાં જણાવ્યું છે કે તેમના પિતાની ઉંમર 85 વર્ષ છે, જ્યારે માતાની ઉંમર 80 વર્ષની છે. તે પોતે માતા-પિતાનું એકમાત્ર સંતાન છે ત્યારે તેના પિતાની તબિયત નાદુરસ્ત હોવાથી આસારામને જોધપુર AIIMS ખાતે દાખલ કરવામાં આવ્યા છે. તેમની તબિયત બગડતી જાય છે. તેમને હૃદયને લગતી તકલીફ હોવાથી બાયપાસ સર્જરી અથવા એન્જિયોગ્રાફી કરવી પડે એવી જરૂર છે. ડોક્ટરે પણ આસારામની ઉંમર વધુ હોવાથી સર્જરીમાં વધુ જોખમ હોવાનું જણાવ્યું છે. પિતાની સર્જરી માટે અને અન્ય સ્વાસ્થ્યસંબંધી સમસ્યાઓ માટે અન્ય ડોક્ટરનો પણ સંપર્ક કરવાનો છે.
આસારામને પણ મેડિકલ સારવાર માટે જામીન આપેલા છે. આ સાથે નારાયણ સાઈએ જામીન અરજી સાથે AIIMSના ડોક્યુમેન્ટ પણ જોડ્યા હતા. નારાયણ સાઈએ જણાવ્યું હતું કે તે ડિસેમ્બર 2013થી જેલમાં છે. આ દરમિયાન ફક્ત તેને ચાર અઠવાડિયાં જેટલો જ સમય હંગામી જામીન મળ્યા છે. અગાઉ કોર્ટ ફર્લો પણ નકારી ચૂકી છે, જેથી કરીને તેને પિતાની સારવાર માટે 20 દિવસના હંગામી જામીન આપવામાં આવે.
આસારામ બાપુની તબિયત નાદુરસ્ત છે. છેલ્લા 15 દિવસથી હોસ્પિટલના બિછાને છે. જોધપુર એઈમ્સમાં સારવાર ચાલી રહી છે. આસારામના હૃદયમાં 3 ગંભીર બ્લોકેજના કારણે આંતરડામાં તકલીફ ઊભી થતાં રક્તસ્ત્રાવ વધ્યો છે. સતત રક્તસ્ત્રાવને કારણે 15 દિવસમાં લોહીની 7 બોટલ ચડાવાઈ છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવાની મંજૂરી આપવા ભક્તોએ માગ કરી છે.