ભારતીય નૌકાદળે (Indian Navy ) 28 અને 29 જાન્યુઆરીએ અરબી સમુદ્રમાં બે જહાજોને હાઇજેક થતા બચાવ્યા હતા. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, નેવીના યુદ્ધ જહાજ INS સુમિત્રાએ રવિવારે સૌથી પહેલા ઈરાની જહાજ FV ઈરાનને હાઈજેક થતા બચાવ્યું હતું. આ પછી અરબી સમુદ્રમાં જ સ્પેશિયલ ઓપરેશન હાથ ધરીને અલ નૈમી નામના જહાજને સોમાલિયાના ચાંચિયાઓથી બચાવી લેવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં ભારતીય મરીન કમાન્ડોએ ભાગ લીધો હતો.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, આઈએનએસ સુમિત્રાએ બીજું સફળ ઓપરેશન કર્યું છે. આ ઓપરેશનમાં ક્રૂના 19 સભ્યો અને જહાજને સશસ્ત્ર સોમાલી ચાંચિયાઓથી બચાવી લેવામાં આવ્યા હતા. નૌકાદળે મેસેજ મળતા જ તરત જ કાર્યવાહી કરી અને પાકિસ્તાની નાગરિકોને બચાવી લીધા હતા. મહત્વનું છે કે, ભારતીય નૌકાદળે 24 કલાકની અંદર બીજી વખત માછીમારી કરતા જહાજને બચાવ્યું છે.
આ પહેલીવાર નથી જ્યારે ભારતીય નૌકાદળે સોમાલી ચાંચિયાઓ દ્વારા નિશાન બનાવવામાં આવેલા માછીમારીના જહાજોને બચાવ્યા હોય. અગાઉ 5 જાન્યુઆરીએ, INS ચેન્નાઈએ સોમાલિયાના દરિયાકાંઠે એક જહાજના ક્રૂને સફળતાપૂર્વક બચાવ્યા હતા અને તેમાં સવાર તમામ 15 ભારતીય નાગરિકોને બચાવ્યા હતા. 15 ભારતીય ક્રૂ મેમ્બરોએ કાર્ગો જહાજ એમવી લીલા નોરફોકને ચાંચિયાઓથી બચાવી લીધું હતું. આ ઓપરેશન મરીન કમાન્ડો (MARCOS) દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.
તાજેતરમાં, ભારતીય નૌકાદળે અવારનવાર થતા ચાંચિયાઓના હુમલાને ધ્યાનમાં રાખીને અરબી સમુદ્રમાં દેખરેખ વધારી દીધી છે. આ અઠવાડિયે, નેવીએ કહ્યું હતું કે તે ઉત્તર અને મધ્ય અરબી સમુદ્રમાં માછીમારીના જહાજો અને અન્ય જહાજો પર સવાર લોકોની વ્યાપક તપાસ કરશે.
તમને જણાવી દઈએ કે લાલ સમુદ્ર અને અરબી સમુદ્રના વિસ્તારોમાં ચાંચિયાઓનો આતંક જોવા મળી રહ્યો છે. અહીં કોમર્શિયલ જહાજોને નિશાન બનાવવા માટે ડ્રોનથી હુમલો કરવામાં આવી રહ્યો છે.