75મા ગણતંત્ર દિવસે કર્તવ્ય પથ પર પ્રસ્તુત થયેલી ગુજરાતની સાંસ્કૃતિક અને પ્રવાસન વિરાસત ઝાંખી બીજા વર્ષે પણ દેશની જનતાની પ્રથમ પસંદગી બની છે. ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ-UNWTOના ગુજરાતના ટેબ્લોને 2 એવોર્ડ મેળવવાનું ગૌરવ પ્રાપ્ત થયું. ગુજરાતનો ટેબ્લો સતત બીજા વર્ષે “પીપલ્સ ચોઇસ એવોર્ડ”માં પ્રથમ ક્રમે રહ્યો છે. MyGov Platform દ્વારા ટેબ્લોઝની શ્રેષ્ઠતા પસંદગી માટે દેશની જનતા પાસેથી ઓનલાઈન વોટિંગ કરાવવામાં આવે છે.
કચ્છમાં શરૂ કરાવેલો રણોત્સવ ધોરડો અને કચ્છના ગ્રામીણ જીવનમાં સામાજિક, આર્થિક, પર્યાવરણીય ઉન્નતિનો મોટો આધાર બન્યો છે. રાજ્ય સરકારે 2006થી ધોરડો ખાતે રણોત્સવનો પ્રારંભ કરીને તેને વિશ્વફલક પર પ્રસ્થાપિત કર્યું હતું. ધોરડો આજે પ્રવાસનની વૈશ્વિક ઓળખ બન્યું છે. આ ઓળખના પરિણામરૂપે યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા વિશ્વના શ્રેષ્ઠ ટુરીઝમ વિલેજની યાદીમાં સમાવેશ કરીને ‘વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ’નો એવોર્ડ 2023માં એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતને મળેલા આ ગૌરવ સન્માન ‘ધોરડો વર્લ્ડ ટુરીઝમ વિલેજ-UNWTO’ની થીમ આધારિત ઝાંખી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા 75મા પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં નવી દિલ્હી ખાતે કર્તવ્ય પથ પર પ્રસ્તુત કરવામાં આવી હતી.