વડોદરાના હરણી તળાવ બોટ દુર્ઘટનામાં મામલે ગુજરાત હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો રિટની આજે સુનાવણી થઈ હતી જેમાં સરકાર દ્વારા રજૂ કરાયેલા બચાવ અને રિપોર્ટને હાઇકોર્ટે વાહિયાત ગણાવ્યો હતો. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂદ્ધા માયીની ખંડપીઠે રાજય સરકાર, વડોદરા મનપા સહિતના સત્તાવાળાઓ અને કોન્ટ્રાકટરને વેધક સવાલ કર્યા હતા. તેના જવાબ સાંભળ્યા બાદ હાઈકોર્ટે તેમનો ઉધડો લીધો હતો.
હાઈકોર્ટે જણાવ્યું હતું કે, શું કોર્પોરેશન સત્તાવાળાઓ કોન્ટ્રાક્ટ આપીને સૂઇ જાય છે…? દુર્ઘટના થયા બાદ જ કેમ સત્તાધીશો નિંદ્રામાંથી જાગે છે..? હાઇકોર્ટે કહ્યું કે, કોન્ટ્રાકટર તો કોન્ટ્રાકટર છે, પરંતુ વડોદરા મનપા અને સરકારના સત્તાવાળાઓની જવાબદારી નિર્ધારિત થવી જોઇએ. વધુમાં હાઈકોર્ટે કહ્યું કે ઘટના બની પછી લેવાયેલા સુધારાત્મક પગલામાં અદાલતને કોઈ રસ નથી પરંતુ ઘટના બની તે પહેલા ચેક એન્ટ બેલેન્સીસ માટે શું પગલાં કે તકેદારી રખાયા હતા તેનો ખુલાસો કરો.
હાઈકોર્ટે સરકારને આવી દુર્ઘટનાઓ ફરી ના બને તે માટે એક ચોક્કસ પોલિસી અમલી બનાવવા સુચન કર્યું . તેમજ રાજયની તમામ શાળાઓને બાળકોની સલામતીને લઇ સૂચના જારી કરવા રાજય સરકારને બહુ મહત્ત્વનો નિર્દેશ કર્યો હતો. હાઈકોર્ટે આ સમગ્ર કેસમાં રાજય સરકાર અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને નોટિસ જારી કરી વિગતવાર ખુલાસા સાથેનો જવાબ રજૂ કરવા હુકમ કર્યો હતો.
સુપ્રિમ કોર્ટે સુનાવણી દરમિયાન રાજય સરકાર, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, કોન્ટ્રાકટર અને સંબંધિત સત્તાવાળાઓની ઝાટકણી કાઢી હતી.હાઇકોર્ટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઉધડો લેતાં જણાવ્યું કે, શું કોર્પોરેશન આવા કોન્ટ્રાકટ આપીને નિંદ્રાધીન બની જાય છે..? નિર્દોષ બાળકોના મોતની દુર્ઘટના ઘટી જાય પછી સફાળા જાગવાની વાત કોઇપણ સંજોગોમાં ચાલે નહી. આ બીજું કંઇ નહી પરંતુ અદાલતની આંખમાં ધૂળ નાંખવા સમાન છે. વધુમાં કોર્ટે કહ્યું કે, આ મામલે કોઇપણ પોતાની જવાબદારીમાંથી છટકી શકશે નહી.વધુમાં કોર્ટે કહ્યું કે, આ કેસમાં માત્ર કોન્ટ્રાકટર જ નહી પરંતુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને પણ પીડિત પરિવારોને વળતર ચૂકવવું પડશે.
હાઇકોર્ટે રાજય સરકાર સહિતના સત્તાવાળાઓને જણાવ્યું હતું કે, આ સુઓમોટો માત્ર હરણી તળાવની દુર્ઘટના પૂરતી સીમિત નથી પરંતુ રાજયના તમામ તળાવો, જળાશયો અને સરોવરોની સ્થિતિને લઇને પણ કોર્ટ તપાસ કરાવશે.
કેસની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીએ મહત્ત્વના મુદ્દાઓ પરત્વે અદાલતનું ધ્યાન દોર્યું કે, સરકારના સોગંદનામામાં કોઇ નવી વાત નથી, નદીની દુર્ઘટનાના સંબંધિત કેસ(મોરબી)નું સોગંદનામું ઉઠાવીને આ તળાવવાળા કેસમાં રજૂ કરી દીધુ છે, જેમાં નદી શબ્દ બદલવાનું પણ સરકારના સત્તાવાળાઓ ભૂલી ગયા છે. તો, આ પ્રકારની કેઝયુઅલ એફિડેવીટ ફાઇલ કરનાર સરકારના સત્તાવાળાઓ પાસે તમે શું અપેશા રાખી શકો..?