: ગુજરાત પોલીસમાં નોકરી કરવા ઈચ્છતા યુવાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. પોલીસ ભરતી અંગે હાઇકોર્ટે સુઓમોટો લીધો છે. આ દરમિયાન ગૃહ વિભાગ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એક સોગંધનામું રજુ કરવામાં આવ્યું છે. જેમાં જણાવવાામા આવ્યું છે કે, રાજ્ય સરકાર આગામી સમયમાં 12 હજાર જેટલી પોલીસ ભરતીઓ કરશે. આ મામલે હવે ત્રણ સપ્તાહ બાદ વધુ સુનાવણી હાથ ધરાશે.
પ્રાપ્ત વિગતો મુજબ ગઈ કાલે ગુજરાત પોલીસ વિભાગના ભરતી મુદ્દાઓને લઈ હાઇકોર્ટે સુઓમોટો લીધી હતી. જેમાં સરકાર તરફથી વિવિધ મુદ્દા પર રજુઆત કરવામાં આવી હતી. પોલીસ વિભાગે એફિડેવિટ રજુ કરતાં જણાવ્યું કે, સરકાર નજીકના સમયમાં 12 હજાર જેટલી પોલીસ ભરતીઓ કરશે. જેના પર ગુજરાત હાઇકોર્ટનો ઝડપી ભરતી કરવા આદેશ કર્યો છે.
સ્ટેન્ડિંગ કમિટીએ 30 ઓકટોબરના રોજ પોલીસ વિભાગમાં 12 હજારની ભરતીને મંજૂરી આપી છે. પોલીસ વિભાગમાં ક્લાસ 3 પોસ્ટ માટે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે. સ્ટેન્ડિંગ કમિટીએ રાજ્યના ગૃહ વિભાગને નિર્ણય સોંપ્યો છે.રાજ્ય સરકાર આગામી સમયમાં 12 હજાર જેટલી પોલીસ ભરતીઓ કરશે તેમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 6600, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 500, જેલ સિપાહી (પુરુષ) 687, જેલ સિપાહી (મહિલા) 57 જગ્યાઓ પર ભરતી કરાશે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીએ 2022માં બિનહથિયારી PSI ની 325 જગ્યા પર મંજૂરી આપી હતી. જેમાં 325 માંથી ચાલુ નાણાકીય વર્ષે 273 બિન હથિયારી PSI ની સરકાર ભરતી કરશે.