દેશના બહુચર્ચિત જ્ઞાનવાપી કેસમાં (Gnanavapi Case) મોટો ચુકાદો આવ્યો છે. જ્ઞાનવાપી સ્થિત વ્યાસજી ભોંયરામાં (Vyas Bhoyra) પૂજા કરવાનો અધિકાર મળ્યો છે. મંગળવારે જ્ઞાનવાપીના ભોંયરામાં પૂજા સંબંધી અરજી પર વારાણસી જિલ્લા કોર્ટમાં જજ ડો. અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટમાં બંને પક્ષ તરફથી દલીલ પૂર્ણ કરવામાં આવી હતી. જ્યારે આજે કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. જે મુજબ હવે વ્યાસ ભોંયરામાં હિન્દુ પક્ષને પૂજાનો અધિકાર મળ્યો છે. આ સાથે કોર્ટે જિલ્લા તંત્રને 7 દિવસમાં વ્યવસ્થા કરવા આદેશ પણ કર્યો છે.
મળતી વિગતો અનુસાર વાદી શૈલેન્દ્ર કુમાર પાઠક વ્યાસના વકીલ વિષ્ણુ શંકર જૈન, સુધીર ત્રિપાઠી, સુભાષ નંદન ચતુર્વેદી અને દીપક સિંહે કોર્ટમાં દલીલો રજૂ કરી હતી. તેમણે કહ્યું કે, કોર્ટે તેમના દ્વારા આપવામાં આવેલી અરજીનો એક ભાગ સ્વીકારી લીધો છે. આ અંતર્ગત વ્યાસજીનું ભોંયરું જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપવામાં આવ્યું છે. અમારી બીજી વિનંતી છે કે નંદીજીની સામે જે બેરિકેડિંગ લગાવવામાં આવ્યું છે તેને ખોલવામાં આવે.