ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને (LalKrishna Advani) દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી(Bharat Ratna) સન્માનિત કરવામાં આવશે. પીએમ મોદીએ (PM MODI) પોતે એક્સ પર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અડવાણીને સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’ એનાયત થવા પર ખુશી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ X પોસ્ટ કરી લખ્યું, ‘મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે લાલ કૃષ્ણ અડવાણીજીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. મેં તેમની સાથે પણ વાત કરી અને તેમને આ સન્માનથી સન્માનિત કરવા બદલ અભિનંદન પાઠવ્યા. આપણા સમયના સૌથી આદરણીય રાજકારણીઓમાંના એક, અડવાણીજીએ ભારતના વિકાસમાં અવિસ્મરણીય યોગદાન આપ્યું છે. તેમના જીવનની શરૂઆત પાયાના સ્તરે કામ કરવાથી લઈને આપણા નાયબ વડાપ્રધાન તરીકે દેશની સેવા કરવા સુધીની છે. તેમણે આપણા ગૃહમંત્રી અને માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે પણ પોતાની ઓળખ બનાવી. તેમના સંસદીય હસ્તક્ષેપ હંમેશા અનુકરણીય અને સમૃદ્ધ આંતરદૃષ્ટિથી ભરેલા રહ્યા છે.
કેન્દ્ર સરકારે લાલકૃષ્ણ અડવાણીને સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’થી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. કલા, સાહિત્ય, વિજ્ઞાન, સમાજ સેવા અને રમતગમતના ક્ષેત્રોમાં દેશ માટે અસાધારણ યોગદાન આપનાર લોકોને ‘ભારત રત્ન’ એનાયત કરવામાં આવે છે.
લાલકૃષ્ણ અડવાણી 5 વખત લોકસભા અને 4 વખત રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. લાલકૃષ્ણ અડવાણી ત્રણ વખત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેઓ 2002 થી 2004 સુધી દેશના નાયબ વડાપ્રધાન પણ હતા.