મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. વાત જાણે એમ છે કે, મહારાષ્ટ્ર સરકારમાં અજિત પવાર જૂથના મંત્રી છગન ભુજબળે ખુલાસો કર્યો હતો કે, ગયા વર્ષે નવેમ્બરમાં તેમણે મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ તરફ છગન ભુજબળે રાજ્ય સરકાર પર મરાઠા સમુદાયને OBC ક્વોટામાં બેકડોર એન્ટ્રી આપવાનો આરોપ લગાવ્યો છે.
અહમદનગરમાં એક રેલીને સંબોધતા NCPના નેતા ભુજબળે કહ્યું કે, તેઓ મરાઠાઓને અનામત મળવાની વિરુદ્ધ નથી, પરંતુ હાલના OBC ક્વોટાને વહેંચવાની વિરુદ્ધ છે. તેમણે કહ્યું, ઘણા વિપક્ષી નેતાઓ, મારી સરકારના નેતાઓ પણ કહે છે કે, મારે રાજીનામું આપી દેવું જોઈએ. કોઈએ કહ્યું કે ભુજબળને કેબિનેટમાંથી બરતરફ કરી દેવા જોઈએ.
છગન ભુજબળે કહ્યું, હું વિપક્ષ, સરકાર અને મારા પક્ષના નેતાઓને કહેવા માંગુ છું કે,17 નવેમ્બરે અંબાડમાં આયોજિત OBC એલ્ગાર રેલી પહેલા મેં 16 નવેમ્બરે કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું અને તે પછી હું કાર્યક્રમમાં હાજરી આપવા ગયો હતો. ભુજબળે વધુમાં કહ્યું કે, તેઓ બે મહિનાથી વધુ સમય સુધી મૌન રહ્યા કારણ કે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ તેમને આ અંગે બોલવાની મનાઈ કરી હતી. OBC નેતાએ કહ્યું, બરતરફીની કોઈ જરૂર નથી, મેં મારું રાજીનામું આપી દીધું છે. હું OBC માટે અંત સુધી લડીશ.
વાત જાણે એમ છે કે, મરાઠા આરક્ષણની માંગને પૂર્ણ કરવા માટે મહારાષ્ટ્ર સરકાર માત્ર OBC ક્વોટામાંથી જ મરાઠાઓને અનામત આપવા માંગે છે. આ અંગે છગન ભુજબળ સતત વિરોધ કરી રહ્યા છે. જે બાદ સરકારમાં સામેલ નેતાઓએ તેમના રાજીનામાની માંગ કરી હતી. આ અંગે છગન ભુજબળે આ નિવેદન આપ્યું છે. ભુજબળે સરકાર પર મરાઠા આરક્ષણના નેતા મનોજ જરાંગેની માંગને નજરઅંદાજ કરવાનો આરોપ લગાવ્યો હતો. એકનાથ શિંદેના ધારાસભ્યએ કહ્યું હતું કે, સમાજમાં તિરાડ ઊભી કરવાનો પ્રયાસ કરવા બદલ ભુજબળને બરતરફ કરવા જોઈએ.
ભુજબળે કહ્યું, અમે મરાઠા સમુદાય માટે આરક્ષણનો વિરોધ નથી કરતા, તેમને અલગ અનામત આપવી જોઈએ. અમારા (OBC) ક્વોટા હેઠળ આપશો નહીં, પરંતુ તેઓ (મનોજ જરાંગે) કહે છે કે, તેને ઓબીસી ક્વોટા હેઠળ આપો. તેમણે આરોપ લગાવ્યો હતો કે, સર્વેક્ષણ દ્વારા મરાઠા સમુદાયના પછાતને નક્કી કરવા માટે રાજ્ય પછાત વર્ગ આયોગ દ્વારા ડેટા એકત્રિત કરવાની પ્રક્રિયામાં ખામી હતી. તેમણે કહ્યું કે, રાજ્યની વસ્તીમાં OBC 54-60 ટકા, SC/ST 20 ટકા અને બ્રાહ્મણો 3 ટકા છે, તેમ છતાં તમામ ધારાસભ્યો અને સાંસદોને મરાઠા મતો ગુમાવવાનો ડર છે.