વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે, જેમાં વિપક્ષ દ્વારા સરકારને વિવિધ સવાલો પણ કરવામાં આવી રહ્યાં છે. જેમાં મહત્વપૂર્ણ વિગતો ધ્યાને આવી કે, સરકારી અને બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની 13013 જગ્યા ખાલી છે. વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાના પ્રશ્ન પર સરકારે જવાબ આપ્યો હતો કે, સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 2344 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે.
બિન સરકારી અનુદાનીત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 10,669 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં 671 જ્ઞાન સહાયકોની ભરતી કરી છે. જ્યારે બિન સરકારી અનુદાનીત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં પ્રથમ તબક્કાની 3469 જ્ઞાન સહાયકોની ભરતી કરાઈ છે. વધુમાં કહ્યું કે, બીજા તબક્કામાં જ્ઞાન સહાયકોની 3071 જગ્યાઓ માટે ભરતી પૂર્ણ કરાઈ છે.
ધારાસભ્ય હેમંત ખવાના સવાલ પર સરકારે ગ્રંથપાલની ખાલી જગ્યા અંગેનો જવાબ આપ્યો હતો કે, રાજ્યની સરકારી શાળાઓમા ગ્રંથપાલની 16 જગ્યાઓ ખાલી છે. 6 જગ્યાઓ સરકારી શાળાઓમા ગ્રંથપાલની ભરાયેલ હોવાનો પણ જણાવ્યું હતું. સાથો સાથ વહીવટી અનુકૂળતાએ જગ્યા ભરવાનો લેખિતમાં જવાબ આપ્યો હતો
કોંગ્રેસે આજે વીજળી ખરીદીને લઇને વિધાનસભામાં વિરોધ નોંધાવ્યો હતો. ખાનગી કંપની દ્વારા કરાર સામે બેથી ત્રણ ગણા ભાવે વીજળી ખરીદ્યાનો કોંગેસે આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસે ગૃહમાં પુછવામાં આવેલા પ્રશ્નના જવાબોની માહિતીને આધારે સરકાર પર આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ નિવેદન આપી સરકાર પર મોંઘી વીજળી ગુજરાતના લોકોને આપવાનો આરોપ લગાવ્યો હતો. સમગ્ર મામલે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇએ જવાબ આપ્યો હતો. કનુ દેસાઇએ કોંગ્રેસના આરોપને લઇને જણાવ્યું કે રાજ્યમાં 2002થી 2023 સુધી વીજળીની ખપત ત્રણ ગણી થઇ છે. તો રાજ્યમાં 2003માં માથાદિઠ વિજળી વપરાથ 903 યુનિટ હતો જે 2023માં 2402 યુનિટ થયો છે. જેથી સરકારે બહારથી વીજળી ખરીદવાની ફરજ પડી છે.