તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં શો છેલ્લા 15 વર્ષ કરતા વધારે સમયથી ચાલી રહ્યો છે. આ શોએ એન્ટરટેઈનમેન્ટમાં એક ટ્રેન્ડ સેટ કર્યો છે. શોના શરૂઆતના વર્ષોમાં જ તેણે ખૂબ જ મોટી લોકપ્રિયતા હાંસલ કરી લીધી હતી, આજે પણ દર્શકો જૂના એપિસોડ્સને એટલા જ રસપૂર્વક જુએ છે, જેટલા રસથી શરૂઆતના વર્ષોમાં જોતા હતા. પરંતુ જેમ જેમ આ શૉ જૂનો થઈ રહ્યો છે, તેમ તેમ તેનો ઓરિજિનલ ચાર્મ ગુમાવી રહ્યો છે. દર્શકો પણ શૉની ક્વોલિટી કથળી હોવાની ફરિયાદ કરી રહ્યા છે. એવા કેટલાક કારણો છે, જેને કારણે તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં શૉની લોકપ્રિયતા ઘટી રહી છે. સૌથી મોટું કારણ છે કે આ શૉ ખૂબ લાંબા સમયથી ઓન એર છે. અને તેણે પોતે જ એક બેન્ચમાર્ક સેટ કરેલો છે, જેમાં દર્શકોને મજા પડતી હતી. હવે આજની સ્થિતિમાં એજ બેન્ચમાર્કને વધુ ઉપર લઈ જઈને દર્શકોને મનોરંજન પુરુ પાડવું એ શોના મેકર્સનો સૌથી મોટો ટાર્ગેટ છે.
બીજો મહત્વનો મુદ્દો છે, શોની શરૂઆતમાં જોડાયેલા મહત્વના કલાકારો શૉ છોડી રહ્યા છે. તારક મહેતાનું પાત્ર ભજવતા શૈલેષ લોઢા, દયાભાભીનું પાત્ર ભજવનાર દિશા વાકાણી સહિત ઘણા જાણીતા કલાકારો આ શૉને અલવિદા કહી ચૂક્યા છે, જે પણ દર્શકોને પસંદ નથી આવી રહ્યું. તો વારંવાર પોપટલાલના લગ્નની સ્ટોરી દર્શાવી દરેક વખત લગ્ન ન કરાવવા, તેમજ દયા ભાભીના પાત્રને પાછા લાવવાની વાત કરીને પાછા ન લાવવા જેવા મુદ્દે શૉ ઘણીવાર સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થઈ ચૂક્યો છે. હવે દર્શકો જાણી ચૂક્યા છે કે પોપટલાલના લગ્ન નથી થવાના તો દયાભાભીનું પાત્ર પણ ક્યારે પાછું ફરશે તે નક્કી નથી. એટલે જ્યારે જ્યારે આ પ્લોટ ઓન એર થાય છે, ત્યારે દર્શકો પોતાનો રસ ગુમાવી દે છે.
વળી, આટલા વર્ષોથી દર્શકોને હસાવતા હોવાને કારણે હવે રાઈટર્સ પાસે પણ નવા પ્રકારની સ્ક્રિપ્ટ લખવાનો મસમોટો પડકાર છે. એક ઈન્ટરવ્યુમાં ખુદ જેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ આ વાત સ્વીકારી હતી કે દરેક વખતે કંઈક નવું આપવું એ રાઈટર્સ માટે પણ પડકાર છે. પરિણામે, પણ દર્શકો પોતાનો રસ ગુમાવી રહ્યા છે. તો ટપુ સેના હવે સમયની સાથે મોટી થઈ છે, પરિણામે તેમના પાત્રોના વર્તન પણ બદલાયા છે. શરૂઆતના વર્ષોમાં નાની ટપુસેનાના નિર્દોષ તોફાન દર્શકોને ખાસ કરીને બાળકોને પણ જોવા ગમતા હતા. પરંતુ હવે તેમની હરકતો દર્શકોને ક્યારેક પસંદ નથી આવી રહી. જેની અસર પણ શૉની લોકપ્રિયતા પર પડી રહી છે.