શહેરના અલગ અલગ વિસ્તારોમાં કારના કાચ તોડીને કિંમતી ચીજ વસ્તુઓની ચોરી કરી પોલીસની ઉંઘ હરામ કરનાર ગેંગની આખરે પોલીસએ ધરપકડ કરી છે. ઝોન 1 એલસીબીએ આ ગેંગના બે સભ્યોની ધરપકડ કરીને અનેક ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. આરોપીઓ પોલીસની પકડમાં ના આવે તેની પણ ખાસ તકેદારી રાખતા હતા.
શહેરમાં કારના કાંચ તોડીને કિંમતી વસ્તુ અને રોકડ રકમની ચોરી કરતી ગેંગના બે આરોપીઓની પોલીસએ ધરપકડ કરી છે. પોલીસએ આકાશ ગાયકવાડ અને શંકેર ગાયકવાડ નામના બે આરોપીઓની ધરપકડ કરીને સોના ચાંદીના દાગીના, રોકડ રકમ, અમેરિકન ડોલર અને મોબાઇલ ફોન સહિત કુલ 9 લાખ 41 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ચાંદખેડા, ગુજરાત યુનિ. નારણપુરા, ઘાટલોડિયા સહિત અનેક વિસ્તારોમાં આચરેલા 30થી વધુ ગુનાનો ભેદ ઉકેલાયો છે. આરોપીઓએ છેલ્લા એક વર્ષ દરમિયાન આ ચોરીના બનાવને અંજામ આપ્યો છે. આરોપીઓ મૂળ આંધ્રપ્રદેશના રહેવાસી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓ શહેરના વટવા વિસ્તારમાં રહેતા હતાં.
ચાર સભ્યોની આ ગેંગમાં કોઇને શંકા ના જાય તે માટે એક સગીર વયના બાળકને પણ સાથે રાખતા હતાં. જે બાળકને પણ કારનો કાચ તોડવા માટેની તાલીમ આપી હતી. આરોપીઓ ગીલોલ, પથ્થર કે હાથમાં પહેરેલા કડા વડે કારનો કાંચ તોડી નાંખતા હતાં. જોકે પોલીસના હાથે પકડાઇ ના જાય તેની પણ ખાસ તકેદારી રાખતા હતાં. જ્યારે પણ તેઓ ચોરી કરવા જાય ત્યારે વધુ અવરજવરવાળો વિસ્તાર પસંદ કરતા ના હતાં અને સીસીટીવીમાં તેમની કરતુતો કેદ ના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખતા હતાં. જ્યારે ચોરી કર્યા બાદ જો કોઇ મોબાઇલ કે લેપટોપ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો મળી આવે તો તે નજીકની જગ્યાએ જ ફેંકી દેતા હતાં. કારણ કે તેઓ જાણતા હતાં કે આ ઇલેક્ટ્રોનિક ઉપકરણથી પોલીસ તેમના સુધી પહોચી શકે છે. એટલું જ નહીં, ચોરી કર્યા બાદ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે અલગ અલગ રિક્ષા બદલતા અને કપડા પણ વારંવાર બદલીને કાલુપુર રેલ્વે સ્ટેશન પહોચતા હતાં અને ત્યાંથી તેઓ તેમના ઘરે જતા રહેતા હતાં.
આરોપીઓએ કેટલાક દિવસ અગાઉ ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં એક ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. જેમાં ફરિયાદી મહિલાના તેના પતિએ આપેલી યાદરૂપી દાગીનાના ચોરી થઇ હતી. જે અંગે મહિલાએ ડીસીપીને રજૂઆત કરતાં ડીસીપીએ એલસીબીની બે ટીમ બનાવીને આરોપીઓને પકડવા માટેની સુચના આપી હતી. પકડાયેલા આરોપીમાંથી આકાશ ગાયકવાડ અગાઉ નવસારીના બીલીમોરા પોલીસ સ્ટેશન અને મહારાષ્ટ્રના પાલઘર પોલીસ સ્ટેશનમાં પકડાઇ ચુક્યો છે. હાલમાં પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરીને તેઓએ આ સિવાય અન્ય કોઇ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે પણ વધુ તપાસ શરૂ કરી છે.