કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર મોટો આરોપ લગાવ્યો છે. ગુરૂવારે તેમણે કહ્યું છે કે પીએમ મોદી પોતાની જાતિને લઇને ખોટું બોલ્યા છે. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે તેઓ જન્મથી અન્ય પછાત વર્ગો અથવા ઓબીસીમાંથી નથી. વાયનાડના સાંસદ રાહુલ ગાંધીની આ યાત્રા ઓડિશા પહોંચી ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાહુલે કહ્યું કે, ‘પીએમ મોદીનો જન્મ ઓબીસી કેટેગરીમાં નથી થયો. તેમનો જન્મ ગુજરાતના તેલી કાસ્ટમાં થયો હતો. આ સમુદાયને 2000 માં ભાજપ દ્વારા ઓબીસી ટેગ આપવામાં આવ્યો હતો. તેમનો જન્મ જનરલ કેટેગરીમાં થયો હતો.
ઓડિશામાં ભારત જોડો ન્યાય યાત્રાના ત્રીજા અને અંતિમ દિવસે અહીં એક સંક્ષિપ્ત ભાષણમાં ગાંધીએ કહ્યું હતું કે મોદીનો જન્મ “એક એવા પરિવારમાં થયો છે જે સામાન્ય જાતિની શ્રેણીમાં આવે છે”. “મોદીજી એમ કહીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે કે તેઓ અન્ય પછાત વર્ગોમાંથી આવે છે. મોદીનો જન્મ તેલી જાતીમાં થયો હતો, જે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારના કાર્યકાળ દરમિયાન 2000માં ઓબીસીની યાદીમાં સામેલ હતા. આમ, મોદીજી જન્મથી ઓબીસી નથી. યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો હતો કે, “તેઓ જીવનભર જાતિગત વસ્તી ગણતરીને મંજૂરી નહીં આપે કારણ કે તેઓ ઓબીસીમાં જન્મ્યા ન હતા, તેમનો જન્મ સામાન્ય વર્ગમાં થયો હતો…” ગાંધીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે વડા પ્રધાન ઓબીસીના લોકો સાથે “અબજોપતિઓને ગળે લગાવતી વખતે” સાથે હાથ પણ મિલાવતા નથી.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સંસદમાં ચર્ચા દરમિયાન પીએમ મોદીએ પોતાને સૌથી મોટા ઓબીસી ગણાવ્યા હતા. રાહુલ ગાંધીએ પીએમ મોદીના આ આધારને ટાંકીને આવો દાવો કર્યો હતો. રાહુલ ગાંધીના આવા આરોપ બાદ પીઆઈબી દ્વારા ફેક્ટ ચેક કરવામાં આવ્યું હતું જોકે ફેક્ટ ચેકમાં રાહુલના દાવાને ખોટો ઠેરવાયો હતો.