પશ્ચિમના વિસ્તારમાંથી 12 બાઈક અને 1 કારની ચોરી કરનારા 3 યુવકની પોલીસે ધરપકડ કરી હતી. જેમાંથી એક યુવક ડેન્ટલમાં અભ્યાસ કરતો હતો, પરંતુ ઓન લાઈન ગેમિંગના રડાવે ચઢી ગયો હતો. જેમાં દેવું થઈ જતાં ભણવાનું છોડી દીધું હતું. અને મિત્ર સાથે મળીને વાહન ચોરી કરવાનું શરુ કર્યુ હતું. ચોરી કરેલી બાઈક ઓનલાઈન ટુ વ્હીલર કેબમાં ફેરવતા હતા અને દોઢ મહિનામાં 121 ટ્રીપ મારીને તે પૈસા કમાયો હતો. તે સિવાય આ ત્રણેય જણાએ ભેગા મળીને વસ્ત્રાપુર સરકારી વસાહતમાંથી થોડા સમય પહેલા એક કારની ચોરી થઇ હતી. જેની તપાસ દરમિયાન પોલીસે કાર સાથે રાહુલ ચાંપાનેરીને ઝડપી લીધો હતો.
પોલીસે પૂછપરછ કરતા રાહુલે તેના મિત્ર યોગેશ ઉર્ફે ગોપાલ ભીમાભાઈ બોરખતરીયા અને દિલિપભાઈ મુળુભાઈ બોરખતરીયા સાથે મળીને વસ્ત્રાપુર, સેટેલાઈટ, સોલા, આનંદનગર અને સરખેજમાંથી 12 બાઈકની ચોરી કરી હોવાનું કબુલ્યું હતું. રાહુલે વસ્ત્રાપુર સરકારી વસાહતમાંથી જે ગાડી ચોરી તે ગાડી થોડા સમય પહેલા માનસી સર્કલ પાસે ગેરેજમાં રીપેરિંગ માટે આવી હતી, ત્યારે તે ગાડીમાં ચાવી ભરાવેલી હતી. રાહુલે ત્યારે જ ગાડીમાંથી ચાવી ચોરી લીધી હતી. ત્યારબાદ ગાડીની વોચ રાખીને પછી ચોરી કરી હતી.