અમદાવાદ શહેરમાં તૈયાર થયેલ અયોધ્યા રામ મંદિરના શિખર ધ્વજનો દંડ તૈયાર કરનાર ભરત મેવાડા નામના વ્યક્તિ સાથે થયેલ છેતરપિંડી મામલે એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે. 27મી જાન્યુઆરીના રોજ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદી ભરત મેવાડા એ પોતાની સાથે છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીની આશ્રમ રોડ પર સ્થિત જમીન પર બારોબાર તેમની જાણ બહાર રૂપિયા 5.90 કરોડની લોન ઉઠાવી લેવામાં આવી હતી. આ મામલે પોલીસે પિયુષ ગોંડલીયા નામના એક યુવકની ધરપકડ કરી છે. ઝડપાયેલ આરોપી પિયુષની પૂછપરછમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. આ કિસ્સામાં નિલેશ પટેલ નામના વ્યક્તિનું નામ સામે આવ્યું છે, કે જે લોન છેતરપિંડીમાં માસ્ટર માઈન્ડ છે. નિકોલમાં રહેતાં નિલેશ પટેલ નામના વ્યક્તિનો આરોપી પિયુષ નામના વ્યક્તિ સાથે સંપર્ક થયો હતો. પિયુષને લોનના હપ્તા ચડી જવાના કારણે પૈસાની જરૂર હતી. જેથી નિલેશ પિયુષ ને એક કંપનીના નામે લોન લેવાની બાબતે કન્વીન્સ કરી આશ્રમ રોડ પરની જમીન મુંબઈના અંધેરી સ્થિત બેન્ક ઓફ મહારાષ્ટ્રની બ્રાંચમાંથી રૂપિયા 5.90 કરોડની લોન મંજૂર કરાવી હતી.
ખોટા શેર સર્ટિફિકેટમાં પિયુષની માતાની સહી કરાવી હતી. નિલેશ પિયુષ અને તેની માતાને સહી કરવા માટે મુંબઈ પણ લઈ ગયો હતો. લોન મંજૂર થયા બાદ મોટાભાગની રકમ માસ્ટરમેન્ટ નીલેશે જ પોતાની પાસે રાખી લીધી હતી, કારણ કે જે નામની કંપની બનાવીને લોન લેવાઈ હતી તે અંગે પિયુષ અજાણ હતો. મતલબ કે આખા લોન મારફતે છેતરપિંડી આચરવાના કિસ્સામાં પિયુષ અને તેને અને તેની માતાને મોહરું બનાવી ₹5.90 કરોડની રકમ માંથી માત્ર 22 લાખની જેટલી રકમ પિયુષને આપી હતી. તપાસમાં એ પણ હકીકત સામે આવી છે કે અગાઉ નોંધાયેલ બે ગુનામાં નિલેશ પટેલ નામના વ્યક્તિનું નામ લોન છેતરપિંડી બાબતે સામે આવી ચૂક્યું છે.