બિલ્કીસ બાનો કેસમાં (Bilkis Bano Case) સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) રિવ્યુ પિટિશન (review petition) દાખલ કરી છે. જેમાં સુપ્રિમ કોર્ટ દ્વારા કેસના ચુકાદમાં ગુજરાત સરકાર વિરુદ્ધ કરવામાં આવેલી કઠોર ટિપ્પણીઓને દૂર કરવાની માંગ કરી છે. અરજીમાં રાજ્ય સરકારે કહ્યું કે, નિર્ણયમાં તેમની વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીઓ નુકસાનકારક છે, તેમણે મે 2022ના ચુકાદા હેઠળ સુપ્રીમ કોર્ટ દ્વારા જારી કરેલા આદેશ મુજબ જ કામ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, 8 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે 11 દોષિતોને જેલમાં પાછા મોકલવાનો આદેશ આપતાં ગુજરાત સરકારના અકાળે મુક્તિના આદેશને રદ કર્યો હતો. ત્યારે બિલકિસ બાનો કેસ મામલે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં તેના નિર્ણય પર પુનર્વિચાર કરવા અપીલ કરી છે, જેમાં સુપ્રિમ કોર્ટને ગુજરાત સરકાર વિરુદ્ધ કરવામાં આવેલી આકરી ટિપ્પણીઓને દૂર કરવા અપીલ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્ય સરકાર સાથે મળીને કામ કરે છે અને આરોપીઓ સાથે સાંઠગાંઠ કરે છે તેવી ટિપ્પણીઓ ખૂબ જ અયોગ્ય છે. અને આ ટિપ્પણીઓને કારણે રાજ્ય સરકારની છબીને ઘણું નુકસાન પહોંચ્યું છે.
કોર્ટે આજીવન કેદની સજા પામેલા 11 દોષિતોને તેમની મુક્તિના 17 મહિના પછી ફરીથી જેલમાં મોકલી દીધા હતા. જ્યારે અગાઉ ગુજરાત સરકારે આ દોષિતોને સમય પહેલા મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. મહત્વનું છે કે, આ કેસમાં સુપ્રીમ કોર્ટે ખુદ ગુજરાત સરકારને 2022માં મુક્તિ અંગે નિર્ણય લેવા જણાવ્યું હતું. 2022ના નિર્ણયને કારણે જ 1992ના મુક્તિ નિયમો લાગુ કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારે અરજીમાં જણાવ્યું છે કે,ગુજરાત રાજ્ય પ્રતિવાદી નંબર-ત્રણ સાથે મિલીભગતથી કામ કરે છે તેવું સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયેલ અવલોકન સંપૂર્ણપણે ગેરવાજબી છે.
ગુજરાત સરકારના મતે, આ ટિપ્પણીઓ અયોગ્ય છે અને પૂર્વગ્રહને જન્મ આપે છે, અને તેથી તેને દૂર કરવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે ગુજરાત સરકારે કોર્ટના મે 2022ના નિર્દેશોનું પાલન કર્યું છે અને મહારાષ્ટ્ર સરકારના અધિકારોનું ઉલ્લંઘન કર્યું નથી. સર્વોચ્ચ અદાલતે બિલ્કીસ બાનો કેસમાં 11 દોષિતોને અપાયેલી અકાળે મુક્તિને રદ કરી હતી અને પૂછ્યું હતું કે ગુજરાત સરકાર દોષિતોને કેવી રીતે માફ કરી શકે. આ સિવાય કોર્ટે એમ પણ કહ્યું હતું કે બિલકિસ બાનો કેસની સુનાવણી મહારાષ્ટ્રમાં ચાલી રહી છે, અને નિર્દોષ છોડવાનો નિર્ણય પણ ત્યાં જ લેવામાં આવે.