મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ.402 કરોડના ખર્ચે અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટેનાં કામોનું ખાતમુહૂર્ત તેમજ રૂપિયા 300 કરોડથી વધુના ખર્ચે સાણંદ વિધાનસભા મતવિસ્તારના વિવિધ પ્રકારનાં વિકાસનાં કામોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ સાણંદ ખાતેથી કરાયું હતું.
આ પ્રસંગે જનસભાને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જોડીએ દેશના નાગરિકોને સુ-રાજ્ય ગવર્નન્સની પ્રત્યક્ષ અનુભૂતિ કરાવી છે. દેશના આ બે સપૂતોએ છેવાડાના માનવી સુધી કેવી રીતે વિકાસ પહોંચી શકે, એ દેશ અને દુનિયાને બતાવ્યું છે. જેનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ આજે એક જ દિવસમાં રૂપિયા 700 કરોડથી વધુના ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો છે. આ સાથે અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટેના કામોનું ખાતમુહૂર્ત થકી આ વિસ્તારના 40 વર્ષ જૂના પ્રશ્નોનું નિરાકરણ પણ આવ્યું છે.